
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સોમવારે વાયુસેનાનું એક ટ્રેઈની લડાકૂ વિમાન સ્કૂલની ઇમારત પર દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. આ ઘટનાએ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે. મંગળવારે વિદ્યાર્થીઓએ આંતરિને સરકારના સલાહકારોનો વિરોધ કર્યો અને મૃત્યુઆંક છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. આ ઘટનાએ હવાઈ સલામતી અને વાયુસેનાના જૂના વિમાનોના ઉપયોગ અંગે ચર્ચા ઉભી કરી છે.
સૂત્રોની જાણકારી પ્રમાણે 23 જુલાઈ સોમવારે ઢાકાના ઉત્તર વિસ્તાર દિયાબારીમાં આવેલી માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજની બે માળની ઇમારત પર ચીનમાં બનેલું એફ-7 બીજીઆઇ તાલીમી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ, જેના કારણે આ દુર્ઘટના બની હતી. સેનાની મીડિયા શાખા ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર, આ ઘટનામાં મૃતકોની સંખ્યા 31 થઈ છે, જ્યારે 165 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમની ઢાકાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

મંગળવારે સવારે માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજ તેમજ આસપાસની શાળાઓના વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું. તેઓએ મૃતકોની સાચી સંખ્યા જાહેર કરવા, પીડિત પરિવારોને વળતર આપવા અને વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવાતાં જૂનાં અને અસુરક્ષિત તાલીમી વિમાનોને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓનો આક્રોશ આંતરિમ સરકારના સલાહકારોની મુલાકાત દરમિયાન વધુ તીવ્ર બન્યો હતો.
જ્યારે આંતરિમ સરકારના કાયદા સલાહકાર આસિફ નઝરુલ, શિક્ષણ સલાહકાર સીઆર અબરાર અને મુખ્ય સલાહકારના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા, ત્યારે વિદ્યાર્થીઓએ તેમનો વિરોધ કર્યો અને માંગણીઓના સમર્થનમાં નારેબાજી કરી હતી. સલાહકારોને સ્કૂલની એક ઇમારતમાં આશરો લેવો પડ્યો હતો. સેના અને અર્ધલશ્કરી દળોની હાજરી હોવા છતાં વિદ્યાર્થીઓએ ઇમારતને ઘેરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આંતરિમ સરકારના વડા મોહમ્મદ યુનુસની ઓફિસે એક નિવેદન જારી કરીને વિદ્યાર્થીઓના આરોપોનો ખંડન કર્યું અને જણાવ્યું કે મૃત્યુઆંક છુપાવવાનો દાવો ખોટો છે.
આ પણ વાંચો…બાંગ્લાદેશમાં પ્લેન ક્રેશઃ 16 વિદ્યાર્થી સહિત ૧૯નાં મોત, મૃત્યુઆંક વધવાની શંકા…