બેંગલુરુ નાસભાગ: RCB જવાબદાર, કોહલીની અપીલ પણ રિપોર્ટમાં સામેલ…

બેંગ્લુરૂ: અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ની આઈપીએલ 2025ની જીતની ઉજવણી દરમિયાન થયેલી નાસભાગની ઘટનામાં 11 લોકોના મોત નીપજ્યાં હતાં. કર્ણાટક સરકારે હાઈ કોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટમાં આ દુર્ઘટના માટે આરસીબીને જવાબદાર ઠેરવવામાં આવી છે, આ રિપોર્ટમાં ઘટના પાછળનું મહત્વનું કારણ વિરાટ કોહલીના વીડિયોમાં પણ અપીલને ગણી લેવામાં આવી છે.
નાસભાગમાં અગિયાર લોકોના મોત થયા હતા
ચોથી જૂનના બેંગલુરુમાં RCB પ્રથમ IPL ટાઇટલ જીતની ઉજવણી માટે વિજય પરેડ અને સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. RCBએ સોશિયલ મીડિયા પર મફત એન્ટ્રીની જાહેરાત કરી, જેમાં વિરાટ કોહલીએ ચાહકોને ઉજવણીમાં જોડાવવા આમંત્રણ આપ્યું. જેના પરિણામે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ત્રણ લાખથી વધુ લોકો એકઠા થયા અને જોત જોતામાં નાસભાગ મચી હતી. આ ઘટનામાં 11 લોકોના મોત થયા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.
RCBએ સોશિયલ મીડિયા પર પ્રચાર ચાલુ રાખ્યો
કર્ણાટક સરકારના રિપોર્ટ મુજબ, RCBએ પોલીસની પૂર્વ મંજૂરી વિના વિજય પરેડની જાહેરાત કરી હતી. જ્યારે આયોજક DNA નેટવર્ક્સે 3 જૂનના રોજ માત્ર પોલીસને સૂચના આપી હતી, પરંતુ 2009ના આદેશ મુજબ જરૂરી મંજૂરી લીધી નહીં. ઉલ્લેખનીય છે કે, બેંગલુરુ પોલીસે ટ્રાફિક અને સુરક્ષાની ચિંતાઓને લીધે પરેડની મંજૂરી નકારી હતી. આમ છતાં RCBએ સોશિયલ મીડિયા પર પ્રચાર ચાલુ રાખ્યો હતો, જેનાથી ભીડ બેકાબૂ બની અને પરિણામે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હતી.
ત્રણેય સંસ્થાના સમન્વયના અભાવે સમસ્યા સર્જાઈ
ઘટનાના દિવસે, આરસીબીએ બપોરે 3:14 વાગ્યે અચાનક જાહેરાત કરી કે સ્ટેડિયમમાં પ્રવેશ માટે પાસ જરૂરી છે, જેનાથી ચાહકોમાં અફરાતફરી મચી ગઈ હતી. અહેવાલો પ્રમાણે ટીમ RCB, આયોજક DNA અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન વચ્ચે સમન્વયના અભાવના કારણે આ ધટના બની હતી. ગેટ ખોલવામાં વિલંબ અને અપૂરતી સુરક્ષા વ્યવસ્થાથી પરિસ્થિતિ વણસી. આ ઘટના બાદ અમુક પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીના રાજકીય સચિવને સસ્પેન્ડ કર્યા હતાં. ઈન્ટેલિજન્સ ચીફની બદલી તેમજ ઘાયલોને વળતર આપવાની જાહેરાત થઈ હતી.