
હૈદરાબાદ: તેલંગાણાની તમામ લોકસભા બેઠકો માટે 13 મેના રોજ ચૂંટણી યોજાવા(Lok Sabha election)ની છે. તે પહેલા તમામ પક્ષોના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. દરમિયાન, ચૂંટણી પંચે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ(KCR) સામે કડક પગલા ભરતા 48 કલાક માટે પ્રચાર કરવા પર પ્રતિબંધ મુક્યો છે. ત્યાર બાદ BRSએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીએ ચૂંટણી પંચને પૂછ્યું કે શા માટે પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન એ રેવન્ત રેડ્ડી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી.
BRSના કાર્યકારી પ્રમુખ કે.ટી. રામારાવે ચૂંટણી પંચની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે આ કેવો ન્યાય છે. તેમણે X પર પોસ્ટ કરી લખ્યું કે શું ચૂંટણી પંચને વડા પ્રધન મોદીએ કરેલી ‘ઉશ્કેરણીજનક’ ટિપ્પણીઓ દેખાતી નથી? હજારો નાગરિકોની ફરિયાદો છતાં મોદી સામે કોઈ કાર્યવાહી થઈ નથી. શું રેવન્ત રેડ્ડીના ‘અપમાનજનક શબ્દો’ ચૂંટણી પંચને ઉપદેશ જેવા લાગે છે?
તેમણે વધુમાં લખ્યું કે, તેલંગાણાના અપ્રમાણિક અને નીચ પ્રધાન રેવંત સામે કોઈ કાર્યવાહી નથી થઈ. KCRની બસ યાત્રાથી ભાજપ અને કોંગ્રેસ આટલી કેમ ગભરાઈ ગઈ છે. તેલંગાણાના લોકો તમારા ઘમંડ અને સંસ્થાકીય દુરુપયોગનો જડબાતોડ જવાબ આપશે.
રામા રાવે અન્ય એક પોસ્ટમાં કહ્યું, તમે તેમના(કે. ચંદ્રશેખર રાવ) પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકી શકો છો, પરંતુ તમે એ સત્યને મારી શકતા નથી જે તે તેલંગાણાને જાણવા માંગે છે.
કોંગ્રેસ વિરુદ્ધ અપમાનજનક અને વાંધાજનક નિવેદનો કરવા બદલ ચૂંટણી પંચે કેસીઆર પર 48 કલાક માટે પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો હતો. તેણે બુધવારની રાત્રે 8 વાગ્યાથી 48 કલાક સુધી ચૂંટણીના સંદર્ભમાં કોઈપણ જાહેર સભાઓ, સરઘસો, રેલીઓ, રોડ શો, ઇન્ટરવ્યુ અને મીડિયામાં જાહેર નિવેદનો કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કેસીઆરે પોતાની પ્રતિક્રિયામાં આપતા કહ્યું હતું કે જ્યારે રેવન્ત રેડ્ડીએ તેમની વિરુદ્ધ અપશબ્દો અને ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કર્યો ત્યારે ચૂંટણી પંચે તેમને રોક્યા ન હતા. મહબૂબાબાદમાં તેમના બસ પ્રવાસને સંબોધતા, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને કહ્યું કે ચૂંટણી પંચે મારા પર 48 કલાકનો પ્રતિબંધ લાદ્યો છે, BRS કાર્યકરોને 96 કલાક પ્રચાર કરવા અપીલ કરું છું.