દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધ યથવાત રહેશે, દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટનો નિર્ણય
દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો, જે અંતર્ગત ફટાકડા પર પ્રતિબંધ અંગે સુપ્રીમ કોર્ટનો 2018નો નિર્ણય અકબંધ રહેશે. ફટાકડા પરનો પ્રતિબંધ આ દિવાળીમાં પણ ચાલુ રહેશે. દિલ્હી/એનસીઆર સિવાય દેશમાં ગ્રીન ફટાકડાને મંજૂરી આપવામાં આવશે. સાથે જ ફટાકડામાં બેરિયમના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
દિલ્હી સરકાર દ્વારા લાદવામાં આવેલા ફટાકડા પરના પ્રતિબંધ વિરુદ્ધ બીજેપી સાંસદ મનોજ તિવારીએ કરેલી અરજીને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે ઉજવણી કરવા માટે અન્ય રીતો શોધી શકો છો. જો તમારે ફટાકડા ફોડવા હોય તો એવા રાજ્યમાં જાઓ જ્યાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ નથી.
સુપ્રીમ કોર્ટે ફરી કહ્યું કે ફટાકડામાં કેમિકલ તરીકે બેરિયમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકાય નહીં. ફટાકડા બનાવતી કંપનીઓએ કોર્ટ પાસે આની માંગણી કરી હતી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જોઈન્ટ ક્રેકર્સના ઉત્પાદન અને ઉપયોગને મંજૂરી આપી શકાય નહીં. કોર્ટના આ નિર્ણય બાદ દિલ્હી સરકારનો ફટાકડા પરનો સંપૂર્ણ પ્રતિબંધ યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશભરની એજન્સીઓએ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ.
જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેન્ચે ફટાકડા ઉત્પાદકોની પ્રતિબંધ હટાવવાની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. આ સાથે જ દેશભરમાં ફટાકડા પર પ્રતિબંધની માંગ કરતી અરજી અંગે પણ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા પર રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.
દેશમાં ગ્રીન ફટાકડાને મંજૂરી આપવી જોઈએ કે નહીં તેના પર સુનાવણી સુપ્રીમ કોર્ટે 4 સપ્ટેમ્બરેના રોજ પૂર્ણ કરી નિર્ણય અનામત રાખ્યો હતો. કોર્ટે પહેલા જ કહ્યું છે કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી શકાય નહીં. આવી સ્થિતિમાં જ્યાં પ્રદૂષણનું સ્તર વધુ છે ત્યાં ફટાકડાનો ઉપયોગ ન કરવો જોઈએ.
ફટાકડાનો ઉપયોગ એવા સ્થળોએ કરી શકાય છે જ્યાં પ્રદૂષણનું સ્તર ઓછું કે માધ્યમ હોય પરંતુ ફટાકડા હાનિકારક પદાર્થોમાંથી બનેલા ન હોવા જોઈએ. જો કે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે રાજ્યોએ ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે તેમાં કોર્ટ દખલ નહીં કરે.