બલૂચિસ્તાનમાં ‘ઓપરેશન હેરોફ’ હેઠળ હાહાકાર, 10 શહેરોમાં એકસાથે હુમલા…

પાકિસ્તાનનું બલૂચિસ્તાન પ્રાંત અત્યારે લોહિયાળ સંઘર્ષનું મેદાન બન્યું છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ ‘ઓપરેશન હેરોફ’ ના બીજા તબક્કા હેઠળ પાકિસ્તાની સુરક્ષા દળો સામે મોરચો ખોલ્યો છે. શનિવાર વહેલી સવારથી જ બલૂચિસ્તાનના 10 થી વધુ શહેરોમાં એકસાથે બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબારના અવાજો ગુંજી ઉઠ્યા હતા. વિદ્રોહીઓએ અનેક પોલીસ સ્ટેશનો અને સરકારી ઇમારતો પર કબજો જમાવી લીધો હોવાના અહેવાલો છે, જેના કારણે પાકિસ્તાની સેના બેકફૂટ પર આવી ગઈ છે. હાલમાં સમગ્ર પ્રાંતમાં તણાવપૂર્ણ સ્થિતિ છે અને અનેક જગ્યાએ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.
હુમલાખોરોએ રાજધાની ક્વેટા સહિત ગ્વાદર, મસ્તુંગ અને નુશ્કી જેવા મહત્વના જિલ્લાઓને નિશાન બનાવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર, આ હિંસામાં અત્યાર સુધીમાં 10 સુરક્ષાકર્મીઓના મોત થયા છે, જ્યારે પાકિસ્તાન સરકારનો દાવો છે કે વળતી કાર્યવાહીમાં 58 વિદ્રોહીઓને ઠાર કરવામાં આવ્યા છે. ક્વેટાના સરયાબ રોડ પર પોલીસ વાન પર હુમલો કરીને બે પોલીસકર્મીઓની હત્યા કરવામાં આવી હતી. આ હુમલાઓ એટલા પ્રચંડ છે કે વિદ્રોહીઓએ આત્મઘાતી હુમલાઓનો પણ સહારો લીધો છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
હિંસા ફાટી નીકળ્યા બાદ ક્વેટા અને આસપાસના વિસ્તારોમાં ડેટા સર્વિસ બંધ કરી દેવામાં આવી છે જેથી અફવાઓ પર લગામ લગાવી શકાય. મસ્તુંગમાં તો વિદ્રોહીઓએ પોલીસ સ્ટેશન પર કબજો કરીને 30થી વધુ કેદીઓને મુક્ત કરી દીધા હોવાની પણ માહિતી મળી છે. હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને ડોક્ટરોને સ્ટેન્ડબાય રહેવા સૂચના અપાઈ છે. રેલ્વે ટ્રેક પરથી એન્ટી ટેન્ક માઈન અને વિસ્ફોટકો મળી આવતા રેલ્વે સેવાઓ પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. સુરક્ષા દળો હાલમાં ક્લિયરન્સ ઓપરેશન ચલાવી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ નિયંત્રણ બહાર જણાય છે.

બલૂચ લિબરેશન આર્મીના કમાન્ડર-ઈન-ચીફ બશીર ઝેબ બલૂચે એક વીડિયો સંદેશ જાહેર કરીને આ હુમલાઓને નિર્ણાયક ગણાવ્યા છે. તેમણે બલૂચ લોકોને પાકિસ્તાની સરકાર વિરુદ્ધ સશસ્ત્ર સંઘર્ષમાં જોડાવા અપીલ કરી છે. બશીર ઝેબે સ્પષ્ટપણે કહ્યું કે, “અમે આતંકવાદી નથી, પરંતુ અમારી જમીન પર થયેલા કબજા વિરુદ્ધ અમે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છીએ.” તેમણે ચેતવણી આપી છે કે જો બલૂચ લોકો આજે બહાર નહીં આવે તો ઇતિહાસ તેમને માફ નહીં કરે. વિદ્રોહીઓના આ આક્રમક તેવર પાકિસ્તાન સરકાર માટે મોટી મુસીબત બની રહ્યા છે.



