દેશ ભલે 1947માં આઝાદ થયો, પણ યુપીનો આ જિલ્લો તો 1942માં જ આઝાદ થઈ ગયો હતો… | મુંબઈ સમાચાર

દેશ ભલે 1947માં આઝાદ થયો, પણ યુપીનો આ જિલ્લો તો 1942માં જ આઝાદ થઈ ગયો હતો…

ભારત દેશની આઝાદીને 15મી ઓગસ્ટના 79 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તિરંગો લહેરાવશે અને દેશવાસીઓને સંબંધન કરશે. 15 ઓગસ્ટનો દિવસ આઝાદીની સાથે સાથે એ લોકોને, ઘટનાઓને યાદ કરવાનો એક મોકો છે જેમણે આઝાદીનો પાયો નાખ્યો હતો અને આ જ અનુસંધાનમાં આજે આપણે વાત કરીશું ઉત્તર પ્રદેશના એક એવા જિલ્લા વિશે કે જે ભારત કરતાં પણ પાંચ વર્ષ પહેલાં એટલે 1942માં જ અંગ્રેજોની ચૂંગાલમાંથી આઝાદ થઈ ગયું હતું. ચોંકી ઉઠ્યા ને? ચાલો તમને જણાવીએ-

અહીં વાત થઈ રહી ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાની કે જેણે 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન જ પોતાને અંગ્રેજોની ગુલામીથી મુક્ત જાહેર કર્યો હતો. 1942માં જ્યારે બીજું વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું અને જાપાનની સેના ભારતની સીમા તરફ આગળ વધી રહી હતી ત્યારે વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. આ સમયે બ્રિટીશ સરકારના પ્રસ્તાવ કે જેમાં ભારતને યુદ્ધ બાદ ડોમિનિયન સ્ટેટનો દરજ્જો આપવાની વાતને કોંગ્રેસે ઠુકરાવી દીધી હતી.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું હતું કે દેશને સંપૂર્ણ સ્વરાજ્ય જોઈએ. આ જ સમયે સાતમી અને આઠમી ઓગસ્ટના મુંબઈના ગોવાલિયા ટેંક મેદાનમાં કોંગ્રેસે એક ભારત છોડો પ્રસ્તાવ રજૂ કર્યો અને આ જ મંચ પરથી ગાંધીજીએ જનતાને કરો યા મરોનો નારો આપ્યો હતો.

મહાત્મા ગાંધીજીના ભાષણ બાદ બીજા જ દિવસે દેશભરના મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી. બલિયામાં એ સમયે બે જ લોકો પાસે રેડિયો હતો, જેના પરથી આ ખબર ત્યાંના લોકોને મળી હતી. અહીંના લોકો મહાત્મા ગાંધીજીની વાત ના સમજી શક્યા અને આર-પારની લડાઈ માટે તૈયાર થઈ ગયા. 10મી ઓગસ્ટ, 1942ના લોકો ગામ ગામથી લાઠી, ભાલા, હથિયાર લઈને જિલ્લા મુખ્યાલય તરફ વધવા લાગ્યા. મહિલાઓ પણ હાથમાં ઝાડુ, વેલણ લઈને ટોળામાં સામેલ થઈ ગઈ. વિના કોઈ યોજના અને નેતા હજારો લોકો કલેક્ટર ઓફિસ પાસે ભેગા થયા જેને કારણે બ્રિટિશરોના હાજા ગગડી ગયા.

19મી ઓગસ્ટ, 1942ના બલિયાના વિદ્રોહીઓએ અંગ્રેજી હુકૂમતને જડમૂળથી ઉખાડીને પોતાના જિલ્લાને સ્વતંત્ર બલિયા જિલ્લો જાહેર કરી દીધો. અહીં સમાનાંતર સરકાર બનાવવામાં આવી જેણે થોડોક સમય સુધી કામ પણ કર્યું. જોકે સપ્ટેમ્બર મહિનામાં બ્રિટીશ સેનાએ ફરી તેના પર કબજો કરી લીધો અને અનેક સ્વતંત્રતા સેનાનીઓની ધરપકડ કરીને તેમને જેલભેગા કરવામાં આવ્યા.

વાત કરીએ ભારત છોડો આંદોલનની તો આ આંદોલનમાં મહિલાઓની ભાગીદારી ખૂબ જ અવિશ્વસનીય હતા. આ આંદોલનમાં દેશની અનેક જાણીતી અને પ્રતિભાશાળી મહિલાઓએ આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. બલિયાની વાત કરીએ તો અહીં મહિલાઓ પુરુષોના ખભેખભા મિલાવીને ઊભી રહીને આઝાદી માટે લડત આપી હતી.

આપણ વાંચો:  શું છે આ રૂદ્રાસ્ત્ર? જેનું નામ હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાશે, વાંચો આ અહેવાલ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button