બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધઃ કહ્યું જો ભાજપમાં જોડાઈ જાઉં તો….
નવી દિલ્હીઃ ડોપ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો ઇનકાર કરવાના કારણે ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય કુસ્તીબાજ બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના પર બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે આ સરકાર દ્વારા બદલો લેવાની કાર્યવાહી છે અને જો તે ભાજપમાં જોડાઇ જાય છે તો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે.
નાડાએ કહ્યું હતું કે બજરંગે 10 માર્ચે રાષ્ટ્રીય ટીમ માટે પસંદગીની ટ્રાયલ દરમિયાન તેના સેમ્પલ આપવાનો ઇનકાર કરીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. ડોપિંગ વિરોધી સંસ્થા નાડાએ સૌપ્રથમ ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજને 23 એપ્રિલે આ ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કર્યો હતો. જે બાદ રમતની વિશ્વ સંસ્થા યુડબલ્યૂડબલ્યૂએ પણ તેને સસ્પેન્ડ કરી દીધો હતો.
ટ્રાયલનો એક વર્ષથી કેસ ચાલુ
બજરંગે પત્રકારોને કહ્યું હતું કે “આ આઘાતજનક નથી કારણ કે ટ્રાયલનો આ કેસ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે મેં નાડાને સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો નથી. જ્યારે તેઓ મારા ઘરે ડોપ ટેસ્ટ માટે આવ્યા હતા ત્યારે તેઓ ‘એક્સપાયરી કીટ’ (ડિસેમ્બર 2023માં) લઇને આવ્યા હતા. મેં તેને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યું હતું. નોંધનીય છે કે પૂનિયા અને તેની સાથી રેસલર ઓલિમ્પિયન વિનેશ ફોગાટ આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.
એક્સપાયરી કિટ કઈ રીતે આપી?
બજરંગે પોતાના બચાવમાં કહ્યું હતું કે, “તમે કોઈ પણ ખેલાડીને ‘એક્સપાયરી કીટ’ આપી શકતા નથી. જ્યાં સુધી મારો સવાલ છે તો મારી ટીમ પણ ત્યાં હતી તેથી તેઓએ તે જોયું. તેઓ 2020, 2021, 2022ની ‘એક્સપાયરી કિટ્સ’ લઇને આવ્યા હતા. તેણે કહ્યું હતું કે, “મેં યુરિન સેમ્પલ આપ્યું હતું. પરંતુ પછી મારી ટીમે કીટ તપાસી તો જાણવા મળ્યું કે તે એક્સપાયર થઈ ગઈ હતી તેથી અમે કિટનો વીડિયો બનાવ્યો અને અમે તેને નાડાને મેઈલ કર્યો હતો. પણ તેઓએ પોતાની ભૂલ સ્વીકારી નહોતી.
આ પણ વાંચો : બજરંગ અને વિનેશ ફોગાટ અંગે સાક્ષી મલિકે શું કહ્યું, પુસ્તકમાં કરી મોટી વાત…
વિરોધમાં ભાગ લેતા બદલો લીધો
કુસ્તીબાજનો આરોપ છે કે સરકાર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા બદલ તેની સાથે બદલો લેવા માંગે છે. પૂનિયાએ દાવો કર્યો છે કે હું છેલ્લા 10-12 વર્ષથી ટુનામેન્ટ્સમાં રમું છું અને મેં ભારતમાં તમામ ટૂર્નામેન્ટ અને કેમ્પ દરમિયાન સેમ્પલ આપ્યા છે. પરંતુ સરકારનો હેતુ અમને તોડીને તેમની સમક્ષ ઝૂકાવવાનો છે.
જો હું ભાજપમાં જોડાઈશ તો મને લાગે છે કે તમામ પ્રતિબંધો હટી જશે. પ્રતિબંધ લાગતા હવે બજરંગ 22 એપ્રિલ, 2028 સુધી કુસ્તીમાં પરત ફરી શકશે નહીં. આ સિવાય, જો તે વિદેશમાં કોચિંગની નોકરી માટે અરજી કરવા માંગે છે તો તે તે કરી શકશે નહીં.