કેજરીવાલને જામીનઃ I.N.D.I.A. બ્લોકના નેતાઓએ આપી આ પ્રતિક્રિયા, શરદ પવારે કહ્યું કે…
નવી દિલ્હી/મુંબઈઃ લીકર કેસમાં સંડોવાયેલા આમ આદમી પાર્ટી (આપ)ના સંસ્થાપક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં લગભગ પચાસ દિવસ બાદ આજે સુપ્રીમ કોર્ટે જામીન આપવા અંગે I.N.D.I.A. ગઠબંધનના નેતાઓએ ખુશી વ્યક્ત કરી હતી.
અરવિંદ કેજરીવાલને જામીન મળતા મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓએ પહેલી પ્રતિક્રિયા આપી છે, જેમાં એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના સ્થાપક શરદ પવારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા કેજરીવાલને આપેલા જામીનનું હું સ્વાગત કરું છું. લોકશાહી માટે ભારત દૃઢ વિશ્વાસ ધરાવે છે.
આપણ વાંચો: Arvind Kejriwal Bail: જેલમાંથી બહાર આવ્યા પછી અરવિંદ કેજરીવાલનો પ્લાન શું હશે?
દરમિયાન I.N.D.I.A. બ્લોકમાં તૃણમુલ કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેરનજીએ કહ્યું કે કેજરીવાલને જામીન મળવાથી ખુશ છું. ચૂંટણી વખતે તેમને ઘણો લાભ મળશે. દરમિયાન સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેએ પણ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. આદિત્ય ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું તો બીજી બાજુ એકનાથ શિંદે જૂથના નેતા સંજય નિરુપમે દિલ્હીના મુખ્ય પ્રધાનની ટીકા કરી હતી.
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ એક્સ (અગાઉના ટવિટર) પર લખ્યું કે અરવિંદ કેજરીવાલને દેશમાં સરમુખત્યારશાહી શાસન વિરોધ ન્યાય અને રાહત મળવાની વાત પરિવર્તનનો સંકેત છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના લીકર કેસ સંબંધિત મની લોન્ડરિંગ મુદ્દે સુપ્રીમ કોર્ટે પહેલી જૂન સુધી વચગાળાના જામીન મંજૂર કર્યા છે, જ્યારે બીજી જૂન સુધી જેલ અધિકારીઓ સમક્ષ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.