બંધ થઈ રહ્યાં છે ચાર પવિત્ર તીર્થસ્થાનોના દ્વાર, યાત્રાએ જતા પહેલા નોંધી લો આ તારીખ | મુંબઈ સમાચાર
નેશનલ

બંધ થઈ રહ્યાં છે ચાર પવિત્ર તીર્થસ્થાનોના દ્વાર, યાત્રાએ જતા પહેલા નોંધી લો આ તારીખ

નવી દિલ્હીઃ આજથી ઉત્તરાખંડના ચાર પવિત્ર તીર્થસ્થાનોના દ્વાર બંધ કરવાની તારીખો જાહેર કરવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે આ વર્ષે કેદારનાથ મંદિર 23 ઓક્ટોબરે અને બદ્રીનાથ મંદિર 25 નવેમ્બરે બંધ કરવામાં આવશે. 25 નવેમ્બરના રોજ બપોરે 02:56 વાગ્યે બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવામાં આવશે. રાજ્યના ચાર પવિત્ર યાત્રાધામના દ્વાર બંધ કરવા અંગે વિગતો આપતા બદ્રીનાથ અને કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે, ભૈયા બીજના શુભ પ્રસંગે કેદારનાથ મંદિર ભક્તો માટે બંધ રહેશે.

આગામી છ મહિના ચાર ધામની યાત્રા બંધ રહેશે

સત્તાવાર જાહેરાત પ્રમાણે વાત કરવામાં આવે તો, ઉત્તરકાશી જિલ્લામાં આવેલ ગંગોત્રી મંદિર 22 ઓક્ટોબરે બંધ કરવામાં આવશે. જ્યારે યમુનોત્રી મંદિરના દ્વાર 23 ઓક્ટોબરે બંધ કરવામાં આવશે. દરવાજા બંધ થયા પછી ભક્તો આગામી છ મહિના સુધી ગંગોત્રી માટે મુખવા અને યમુનોત્રી માટે ખરસાળીમાં પૂજા કરી શકાશે. તેનાથી આગળ કોઈ જઈ શકશે નહીં. જે ભક્તો આ પવિત્ર સ્થળોની મુલાકાત લેવા માંગે છે તેઓ દરવાજા બંધ થાય તે પહેલાં દર્શન કરી શકે છે. અત્યારે ચાર ધામ યાત્રા તેના અંતિમ તબક્કામાં ખૂબ જ ઉત્સાહ સાથે ચાલુ છે.

આ વર્ષે 45 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રાએ ગયા

આ વર્ષે 30 એપ્રિલથી અત્યાર સુધીમાં કુલ 45 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા પર ગયા છે. આ ચારેય ધામ હિમાલયના પ્રદેશમાં આવેલા હોવાથી શિયાળા દરમિયાન આ વિસ્તારો ભારે હિમવર્ષા થતી હોય છે. જેના કારણે દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ચારેય ધામના દરવાજા યાત્રાળુઓ માટે બંધ કરી દેવામાં આવે છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, આવતા વર્ષે એપ્રિલ-મે મહિનામાં ચારેય ધામના દરવાજા ફરીથી ખોલવામાં આવશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button