ટોપ ન્યૂઝનેશનલ

Baba Siddiquie Murder: જાણો કોણ છે આ હત્યાના આરોપીઓ, કેવી રીતે રચ્યું ષડયંત્ર

મુંબઇ : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા(Baba Siddiquie Murder)કેસમાં મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપી હજુ ફરાર છે. શનિવારે NCP અજીત જૂથના નેતા બાબા સિદ્દીકીની તેમની ઓફિસ બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આ હત્યા કેસમાં ફરાર ત્રણ આરોપીઓની ઓળખ કરી લીધી છે. ધરપકડ કરાયેલા બે આરોપીની ઓળખ ધર્મરાજ રાજેશ કશ્યપ (19) અને ગુરમેલ બલજીત સિંહ (23) તરીકે કરવામાં આવી હતી

પ્રવીણ લોનકર નામના અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ

જ્યારે પોલીસે 28 વર્ષીય પ્રવીણ લોનકર નામના અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. પ્રવીણ લોનકરના ભાઈ શુભમે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી હત્યાની જવાબદારી લીધી હતી. ધર્મરાજ રાજેશ કશ્યપ અને ફરાર શિવકુમાર બંને ઉત્તર પ્રદેશના વતની છે. ગુરમેલ હરિયાણાનો વતની છે. જ્યારે ફરાર મોહમ્મદ જીશાન અખ્તર પંજાબના જલંધરનો છે. પ્રાથમિક તપાસ મુજબ, કશ્યપ અને સિંહ સાથે હાજર ત્રીજો શૂટર 24 વર્ષીય શિવ કુમાર ઉર્ફે શિવ ગૌતમ હતો જે હાલ ફરાર છે. પોલીસે અન્ય આરોપી મોહમ્મદ જીશાન અખ્તર (21)ની પણ હત્યાના કથિત માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખ કરી છે.

શિવ કુમાર અને ધર્મરાજનો કોઈ ગુનાહિત ઈતિહાસ નહોતો

મીડિયા અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશના રહેવાસી શિવ કુમાર અને ધર્મરાજનો કોઈ ગુનાહિત ઈતિહાસ નહોતો. શિવ કુમારની માતાના જણાવ્યા અનુસાર તે ભંગારની દુકાનમાં કામ કરવા પુણે ગયો હતો અને છેલ્લે હોળી દરમિયાન ગામ આવ્યો હતો. જ્યારે કૈસરગંજ વિસ્તારના અધિકારી અનિલ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, શિવ કુમાર થોડા વર્ષો પહેલા મહારાષ્ટ્રમાં મજૂર તરીકે કામ કરવા ગયો હતો અને તેણે ધર્મરાજને પોતાની સાથે જોડાવવા કહ્યું હતું. જલંધરનો રહેવાસી મોહમ્મદ જીશાન અખ્તર પટિયાલા જેલમાં બંધ હતો. તેની સામે સાત કેસ નોંધાયેલા છે.

બાબા સિદ્દીકી હત્યા કેસના આરોપીઓ કોણ છે?

પોલીસના જણાવ્યા અનુસાર ગુરમેલનો ગુનાહિત ઈતિહાસ છે. તેની વર્ષ 2019માં હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. તેના પરિવારે જણાવ્યું કે તેઓએ 11 વર્ષ પહેલા ગુરમેલને છોડી દીધો હતો. ગુરમેલની દાદીએ કહ્યું, તેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે. અમારે તેની સાથે કોઇ સબંધ નથી. તેણે કહ્યું કે ગુરમેલ ત્રણ મહિના પહેલા જ જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો પરંતુ તે ઘરે રહેતો ન હતો.

આ રીતે હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો

શનિવારે સાંજે ધરમરાજ, શિવ અને ગુરમેલ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બાબા સિદ્દીકીની ઓફિસની બહાર પહોંચ્યા હતા. જ્યારે બાબા સિદ્દીકીને ગોળી મારવામાં આવી ત્યારે તેઓ ઓફિસ પાસે ફટાકડા ફોડી રહ્યા હતા. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મરીનો સ્પ્રે લાવ્યા હતા અને બાબા સિદ્દીકીના પર ગોળીબાર કરતા પહેલા તેનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી. પરંતુ શિવે તેમના પર સીધો ગોળીબાર શરૂ કરી દીધો. જ્યારે બાબા સિદ્દીકીના સુરક્ષાકર્મીઓ ધરમરાજ અને ગુરમિલને પકડવામાં સફળ રહ્યા હતા. જ્યારે શિવ ભાગી છૂટયો હતો.

રવિવારે પુણેના શુભમ લોનકર નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોરેન્સ બિશ્નોઈ ગેંગ વતી હત્યાની જવાબદારી લીધી હતી. 28 વર્ષીય શુભમ અને તેના ભાઈ પ્રવીણે કથિત રીતે બાબા સિદ્દીકીની હત્યા માટે શિવ કુમાર અને ધરમરાજ કશ્યપને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પ્રવીણ ભંગારની દુકાન પાસે ડેરી ચલાવે છે જ્યાં શિવ અને ધરમરાજ કામ કરતા હતા. પોલીસે રવિવારે સાંજે પ્રવીણની ધરપકડ કરી હતી અને તેના ભાઈને શોધી રહી છે. જો કે, પોલીસે હજુ સુધી હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણીની પુષ્ટિ કરી નથી અને દાવાઓની તપાસ કરી રહી છે.

જીશાન અખ્તર માસ્ટર માઇન્ડ

ધરમરાજ રાજેશ કશ્યપ અને શિવ કુમાર, ગુરમેલ અને મોહમ્મદ જીશાન અખ્તર જેલમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સના સંપર્કમાં આવ્યા હતા. જેમણે તેને કથિત રીતે બાબા સિદ્દીકીની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે અખ્તર આ વર્ષે 7 જૂને જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારબાદ તે હરિયાણાના કૈથલમાં ગુરમેલને મળવા ગયો હતો. ત્યારબાદ તેણે શિવ, ધર્મરાજ અને ગુરમેલ માટે મુંબઈમાં એક રૂમની વ્યવસ્થા કરી હતી.

સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી ધમકીઓ મળી

સૂત્રોના જણાવ્યા અનુસાર બાબા સિદ્દીકીની હત્યા બાદ અખ્તર પણ મુંબઈમાં હતો અને ત્રણેય હુમલાખોરોને સૂચના આપી રહ્યો હતો. તેનું છેલ્લું લોકેશન મુંબઈમાં મળી આવ્યું હતું. હવે પોલીસ તેને શોધી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સાથેના ગાઢ સંબંધોને કારણે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારી હોવાનું કહેવાય છે. સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી ધમકીઓ મળી ચુકી છે. તેની બિશ્નોઈ સમુદાય માટે પવિત્ર ગણાતા એવા કાળિયારને મારવાનો આરોપ છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button