Baba Ramdev: ‘તમે કાયદાનું ઉલંઘન કર્યું છે…’ સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણને સમન્સ પાઠવ્યા
નવી દિલ્હી: એલોપેથિક દવા પર વિવાદાસ્પદ નિવેદનો આપવા અને પતંજલિ કંપનીની પ્રોડક્ટ્સની ભ્રામક જાહેરાત કરવા બદલ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મુશ્કેલીમાં ફસાયા છે. આજે આ મામલે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું હતું, કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણને સમન્સ પાઠવ્યા છે. કોર્ટે બાબા રામદેવને પૂછ્યું કે શા માટે તમારી વિરુદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી ન કરવી જોઈએ? કોર્ટે કહ્યું કે આ બંનેએ પ્રથમ નજરે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
અગાઉ થયેલી સુનાવણીમાં કોર્ટે પતંજલિ અને આચાર્ય બાલકૃષ્ણને કારણ બતાવો નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, પતંજલિની ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, અસ્થમા, ગ્લુકોમા અને સંધિવા વગેરે જેવા રોગોથી “કાયમી રાહત, ઇલાજ અને નાબૂદી” નો દાવો કરતી જાહેરાત સામે તમે લીધેલા પગલાં અંગે કોર્ટને રીપોર્ટ સોંપો.
બેન્ચે કેન્દ્રને પૂછ્યું હતું કે વિવિધ રોગોની સારવારમાં દવાઓની અસરકારકતા અંગે કંપનીની જાહેરાતોમાં કથિત રીતે ખોટા અને ભ્રામક દાવા કરવા બદલ તેણે પતંજલિ આયુર્વેદ સામે તમે શું પગલાં લીધાં?
આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે પતંજલિ આયુર્વેદને આગામી આદેશો સુધી કંપનીના ઉત્પાદનોની જાહેરાત કરવા પર રોક લગાવી હતી, કોર્ટે કડકાઈ બતાવતા કહ્યું હતું કે “સમગ્ર દેશ સાથે છેતરપિંડી કરવામાં આવી છે.”
રોજ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને 29 નવેમ્બર 2023ના રોજ સુપ્રીમ કોર્ટમાં પતંજલિ આયુર્વેદની જાહેરાતો પર વાંધો ઉઠાવતી અરજી દાખલ કરી હતી.
આ મામલામાં આગામી સુનાવણી હવે બે અઠવાડિયા પછી થશે.