વૃંદાવનના વિશ્વ વિખ્યાત બાબા પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી, ભક્તોને લાગ્યો આઘાત
નવી દિલ્હી: મથુરા-વૃંદાવનના વિશ્વ વિખ્યાત સંત બાબા પ્રેમાનંદ દાસ મહારાજની તબિયત શનિવારે બગડી ગઈ. શનિવારે સવારે સંત પ્રેમાનંદ મહારાજે વૃંદાવનથી ગિરિરાજજી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો પરંતુ અચાનક તેની તબિયત લથડતા તેઓ ગોવર્ધન પરિક્રમાને અધૂરી છોડીને પરત ફર્યા હતા.
ગિરિરાજજી પરિક્રમાને અધવચ્ચે જ છોડી
વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજે શનિવારે સવારે ગિરિરાજજી પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. હજારો લોકોએ ભક્તિ અને શ્રદ્ધા સાથે ગિરિરાજજી પરિક્રમાની ધાર્મિક યાત્રા કરી, પરંતુ લગભગ 7 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ તેઓને થાકનો અનુભવ થવા લાગ્યો હતો. આવી સ્થિતિમાં તેમણે પરિક્રમા માર્ગ પર અન્યૌર ગામના ગોવિંદ કુંડમાં આરામ કર્યો હતો.
કિડની સહિતની બીમારી
કિડનીની બીમારી અને અન્ય સમસ્યાઓથી પીડાતા સંત પ્રેમાનંદ મહારાજે પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પરિક્રમાને અધવચ્ચે જ છોડી દીધી હતી. તેમની હાલત જોઈને તાત્કાલિક એક વાહન બોલાવવામાં આવ્યું અને તેમને વૃંદાવન પાછા લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો ; Viral Video : એસીના પાણીને શ્રદ્ધાળુઓ સમજી બેઠા ચરણામૃત, ભક્તોની ભીડ ઉમટી
ભક્તો કરી રહ્યા છે જલ્દી સ્વસ્થ થવાની કામના
પ્રેમાનંદ મહારાજની તબિયત બગડતા તેમના ભક્તોમાં ઉદાસી અને ચિંતા છવાઈ છે. તેમનો સેવક સમુદાય તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો તેમના આશ્રમ પહોંચે છે. દરરોજ સવારે પરિક્રમા દરમિયાન પણ ભક્તો તેમના દર્શન કરવા માટે ઉપસ્થિત રહે છે.