UP:બાહુબલી ધનંજય સિંહને અપહરણ કેસમાં 7 વર્ષની સજા
જૌનપુર સીટથી લોકસભા ચૂંટણી લડવાની કરી હતી જાહેરાત
ઉત્તર પ્રદેશની જૌનપુર લોકસભા બેઠકના સાંસદ રહી ચુકેલા જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ ધનંજય સિંહને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મંગળવારે MP-MLA કોર્ટે તેમને અપહરણ અને ખંડણીના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. જે બાદ તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલા ધનંજય સિંહનું રાજકીય ભવિષ્ય હવે અંધકારમય જોવા મળી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, 10 મે, 2020 ના રોજ, મુઝફ્ફરનગરના રહેવાસી નમામી ગંગેના પ્રોજેક્ટ મેનેજર અભિનવ સિંઘલે ધનંજય સિંહ અને તેના ભાગીદાર વિક્રમ વિરુદ્ધ જૌનપુરના લાઈન બજાર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ખંડણીની માંગણીનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે વિક્રમ અભિનવ સિંઘલનું અપહરણ કરીને તેને પૂર્વ સાંસદના ઘરે લઈ ગયો હતો.
ધનંજયસિંહ પિસ્તોલ લઈને ત્યાં આવ્યો હતો અને તેમની સાથે ગાળાગાળી કર્યા બાદ તેને હલકી ગુણવત્તાની સામગ્રી સપ્લાય કરવા દબાણ કર્યું હતું. તેનો વિક્રમ અભિનવ સિંઘલે ઇનકાર કરતા તેને ધમકી આપીને ખંડણી માંગવામાં આવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ધનંજય સિંહ અને તેના સહયોગીઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. જોકે બાદમાં તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.
ઉલ્લેખનિય છે કે ધનંજય સિંહ આગામી લોકસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવાની તૈયારી કરી રહ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની એક પોસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી હતી. ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ ધનંજય સિંહની પ્રતિક્રિયા જોવા મળી હતી. ભાજપે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહરાજ્યમંત્રી કૃપાશંકર સિંહને જૌનપુર લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે.
આ પછી ધનંજય સિંહે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરતા લખ્યું, “મિત્રો! તૈયાર રહો… ટાર્ગેટ માત્ર એક લોકસભા 73, જૌનપુર છે.” આ સાથે જ તેમના ફોટો પર ‘જીતેગા જૌનપુર-જીતેંગે હમ’ એમ પણ લખ્યું હતું. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે તે નીતિશ કુમારની પાર્ટી જેડીયુના સિમ્બોલ પર ચૂંટણી લડશે કે અપક્ષ તરીકે ચૂંટણી લડશે.
માત્ર 27 વર્ષની વયે પ્રથમ વખત બન્યા ધારાસભ્ય
ઉલ્લેખનીય છે કે ધનંજય સિંહ માત્ર 27 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. તેમણે 2002ની વિધાનસભાની ચૂંટણી અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી. આ પછી, 2007ની ચૂંટણીમાં, તેઓ જનતા દળ યુનાઇટેડ (JDU)ની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2009માં તેમણે બીએસપીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડીને જીત મેળવી હતી. આ વખતે લોકસભા ચૂંટણીમાં તેમને આશા હતી કે તેમને JDU તરફથી ટિકિટ મળશે. પરંતુ જેડીયુ એનડીએમાં જોડાયા અને જૌનપુરથી ભાજપના ઉમેદવારની જાહેરાત બાદ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આમ છતાં તેમણે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.