અઝીમ પ્રેમજીએ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને આપ્યો બેબાક જવાબ: આ માંગણી ફગાવી

બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ટ્રાફિકની સમસ્યા ખુબ વિકરાળ છે, ક્યારેક લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે. સરકાર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અલગ અલગ ઉપાયો પર વિચાર કરી રહી છે. એવામાં રાજ્યના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીને પત્ર લખી કંપનીના પરિસરના રોડ પર વાહનોને પસાર થવાની મંજૂરી આપવાની વિનંતી કરી હતી, અઝીમ પ્રેમજીએ મુખ્ય પ્રધાનની આ વિનંતી નકારી કાઢી છે
અઝીમ પ્રેમજીએ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ પત્ર લખીને જણાવ્યું કે આ રોડ લિસ્ટેડ કંપનીની માલિકીની ખાનગી મિલકત, જે જાહેર પરિવહન માટે નથી.
આ સલાહ આપી:
અઝીમ પ્રેમજીએ તેમના પત્રમાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ સંબોધીને લખ્યું, બેંગલુરુમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યાને ઉકેલવા માટે તમારા નેતૃત્વની અમે પ્રશંસા કરીએ છીએ. તમે પત્રમાં જે સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો છે, તેના માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. જો કે, અમારું માનવું છે કે અર્બન ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટમાં વર્લ્ડ ક્લાસ એક્ષ્પર્ટીઝ ધરાવતી સંસ્થા દ્વારા વ્યાપક, વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરવો એ આ જટિલ સમસ્યાને ઉકેલવાનો સૌથી અસરકારક રસ્તો છે. વિપ્રો આ પ્રક્રિયામાં ભાગ લેવા અને આ નિષ્ણાત અભ્યાસના ખર્ચનો એક ભાગ આવરી લેવા તૈયાર છે.
આ કારણે વિનંતી નકારી:
અઝીમ પ્રેમજીએ લખ્યું કે તમે અમારા સરજાપુર કેમ્પસમાંથી જાહેર વાહનોને પસાર થવા દેવાનું સૂચન કર્યું છે. આ અંગે અમારે ગંભીર કાયદાકીય અને વહીવટી પડકારોનો સામનો કરવો પડી શકે છે, કારણ કે આ એક લિસ્ટેડ કંપનીની માલિકીની ખાનગી મિલકત છે અને જાહેર ઉપયોગ માટે નથી.
અઝીમ પ્રેમજીએ સ્પષ્ટતા કરી કે અમારું સરજાપુર કેમ્પસ એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) છે જે વૈશ્વિક વિશ્વભરના ગ્રાહકોને સર્વિસ આપે છે. ખાનગી મિલકતમાંથી જાહેર વાહનોને પસાર કરવા એ લાંબા ગાળાનો ઉકેલ નથી. બેંગલુરુના ટ્રાફિક પડકારોનો કાયમી ઉકેલ શોધવા વિપ્રો માટે કર્ણાટક સરકાર સાથે ભાગીદારી કરવા માટે તૈયાર છે.