47 ગુનામાં સંડોવાયેલો ‘આઝાદ’ ઉર્ફે ઝુબૈર યુપી પોલીસના એન્કાઉન્ટરમાં ઠાર: ગુનેગારોમાં ફેલાયો ફફડાટ

બુલંદશહેર: ગુનેગારોને લઈને યુપી પોલીસ કડક વલણ અપનાવ્યાના અનેક ઉદાહરણો પાછલા સમયમાં જોવા મળ્યા છે. આ ઉદાહરણોમાં વધુ એક ઉદાહરણનો ઉમેરો થયો છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં શનિવારે મોડી રાત્રે પોલીસની એક વોન્ટેડ ગુનેગારો સાથે અથડામણ થઈ હતી. તે દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં કુખ્યાત ગુનેગાર આઝાદ ઉર્ફે ઝુબૈર ઉર્ફે પીટર માર્યો ગયો છે.
બુલંદશહેરમાં થયેલા એન્કાઉન્ટરનો ઘટનાક્રમ
બુલંદશહેરના એસએસપી દિનેશ કુમાર સિંહે મીડિયાને જણાવ્યું કે, કોતવાલી દેહાત પોલીસ ટીમ સ્યાના રોડ પર જસનાવાલી નજીક ચેકિંગ કરી રહી હતી. ત્યારે બે શંકાસ્પદ વ્યક્તિઓ બાઇક પર આવતા જણાયા હતા. બે શંકાસ્પદ વ્યક્તિઓ પૈકીનો એક ચોરીના કેસનો વોન્ટેડ ‘આઝાદ’ ઉર્ફે ઝુબૈર હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે તેને ઊભા રહેવાનો ઇશારો કર્યો હતો. પરંતુ શંકાસ્પદ વ્યક્તિઓએ બાઇક ફેરવીને પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું હતું.
અચાનક ફાયરિંગ શરૂ થતા પોલીસે તાત્કાલિક અન્ય ટીમોને બોલાવી ઘેરો ઘાલ્યો હતો. એવા સમયે ગુલાવઠી પોલીસ સ્ટેશનની ટીમ પણ દેહાત પોલીસની મદદે આવી પહોંચી હતી. પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. પોલીસે કરેલા ફાયરિંગમાં આઝાદ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે તેનો સાથી અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો. ઘાયલ આઝાદને જિલ્લા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અથડામણમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો.
યુપી પોલીસે ‘આઝાદ’ ઉર્ફે ઝુબૈર પાસેથી પિસ્તોલ, જીવતા તથા ખોખા કારતૂસ તથા બાઇક જપ્ત કરી હતી. ફરાર આરોપીને પકડવા માટે પોલીસની ત્રણ સ્પેશિયલ ટીમોએ કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. ‘આઝાદ’ ઉર્ફે ઝુબૈરના એન્કાઉન્ટરથી બુલંદશહેર અને મેરઠ પંથકના ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
‘આઝાદ’ ઉર્ફે ઝુબૈર પર હતું રૂ. 50 હજારનું ઈનામ
ઉલ્લેખનીય છે કે, 35 વર્ષીય મૃતક ‘આઝાદ’ ઉર્ફે ઝુબૈર મેરઠનો રહેવાસી હતો. તેના પર ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડમાં મળીને કુલ 47 જેટલા ગંભીર કેસ નોંધાયેલા હતાં. તાજેતરમાં 2 નવેમ્બરે થયેલી લૂંટ અને 7 નવેમ્બરે બકરી ફાર્મમાંથી થયેલી ચોરીના કેસમાં તેની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેથી આઈજી રેન્જ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો અને તેના પર રૂ. 50,000નું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું.



