અયોધ્યાના રામ મંદિરે દાનમાં પાછળ મૂકી દીધા ભારતના આ મંદિરોને… મળ્યું અધધધ દાન..
22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે પાર પડ્યો અને આ ઐતિહાસિક દિવસે રામ લલ્લાને આવેલા દાનને કારણે દેશના તમામ મંદિરોનો રેકોર્ડ તૂટી ગયો છે. પ્રાણ પ્રતિષ્ઠામાં આવેલા મહાનુભાવોએ દિલ ખોલીને દાન કર્યું કે જેને કારણે એક નવો રેકોર્ડ બની ગયો. જી હા, દેશભરમાં સૌથી અમીર મંદિરોમાં આખા વર્ષમાં આવનારા દાનની રકમની રોજિંદી સરેરાશ કરતાં પણ વધુ દાન એક જ દિવસમાં રામ લલ્લાના ચરણે અર્પણ કરવામાં આવ્યું છે.
બાવીસમી જાન્યુઆરીના દિવસે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસને આ રકમની ગણતરી કરી તો આ આંકડો 3 કરોડ 17 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જોકે, આ રકમમાં રામભક્તો દ્વારા સીધા તીર્થ ક્ષેત્રના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવેલી રકમનો સમાવેશ નથી કરવામાં આવ્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે 22મી જાન્યુઆરીએ રામ મંદિર આમ આદમી માટે દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હતું. બીજા દિવસે એટલે કે 23મી જાન્યુઆરીના રામ લલ્લાના દર્શન કરવા માટે લોકોએ ભીડ લગાવી હતી અને એમણે પણ મન ખોલીને દાન કર્યું હતું. બીજા દિવસે પણ રામ લલ્લાના ચરણે રૂપિયા 10 લાખનું દાન મળ્યું હતું અને આ રકમમાં પણ ઓનલાઈન પેમેન્ટ અને ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવેલી રકમનો સમાવેશ નથી કરવામાં આવ્યો.
દેશના સૌથી મોટા મંદિરની વાત કરીએ તો તે છે કેરળના ત્રિવેન્દ્રમ ખાતે આવેલા પદ્મનાભ સ્વામીનું મંદિર. આ મંદિરની દેશનું સૌથી શ્રીમંત મંદિર માનવામાં આવે છે.
મીડિયામાં આવેલા અહેવાલ અનુસાર મંદિરની તિજોરીમાં 20 અબજ ડોલરની સંપત્તિ રાખવામાં આવી છે. અહીં સ્થાપિત કરવામાં આવેલી ભગવાનની સોનાના મૂર્તિની કિંમત પણ 500 કરોડ રૂપિયા હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જ્યારે અહીં વાર્ષિક 500 કરોડ રૂપિયાનું દાન ચઢાવાના રૂપમાં આવે છે અને એની રોજની સરેરાશ કાઢીએ તો તે સરેરાશ 1.36 કરોડ રૂપિયાથી વધુ છે. માતા વૈષ્ણોદેવીના શ્રાઈન બોર્ડને પણ દર વર્ષે 500 કરોડ રૂપિયા દાનમાં આવે છે.
આગળ વધીએ અને તિરુપતિ બાલાજી મંદિરની વાત કરીએ તો તિરુપતિ બાલાજી મંદિરમાં પણ વાર્ષિકે 600 કરોડ રૂપિયાનું દાન મળે છે અને એક દિવસની સરાસરી 1.64 કરોડ રૂપિયા જેટલી છે. મહારાષ્ટ્રમાં આવેલા શિરડીના સાંઈબાબા મંદિરની વાત કરીએ તો શિરડીના સાંઈબાબાને દર વર્ષે 630 કરોડ રૂપિયાનું જાન મળે છે અને એની સરાસરી પણ રામ મંદિરમાં એક દિવસમાં આવેલા દાન બાદ બીજા નંબર પર છે. શિરડીના સાંઈબાબાને મળતાં વાર્ષિક દાનની જ્યારે એક દિવસની સરાસર કાઢવામાં આવી તો તે 1.72 કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે.
ટૂંકમાં ભગવાન રામે દેશભરના મંદિરોને દાનની રકમમાં પાછળ મૂકી દીધા છે અને દાનની રકમના તમામ રેકોર્ડ તોડી દીધા હતા.