Ram Mandir:22 વર્ષથી તાળામાં બંધ છે રામશિલા, ભગવાન રામ કરશે ઉદ્ધાર
અયોધ્યાઃ રામ મંદિર નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. રામ મંદિરના નિર્માણ માટે દેશભરના સ્થળોએથી આવેલા હજારો પથ્થરો મંદિરના અમુક ભાગમાં ઉપયોગમાં લેવાયા છે અથવા ઉપયોગમાં લેવાના છે. પરંતુ, કેટલાક પથ્થરો એવા પણ છે, જે અહિલ્યાની જેમ મુક્તિની રાહ જોઈ રહ્યા છે…ક્યારે ભગવાન પ્રસન્ન થાય અને ક્યારે તે પણ મંદિરના કોઈ ખૂણામાં ઉપયોગમાં લેવાય.
તેમાંથી એક પથ્થર ખાસ છે, જેનું 2002માં પ્રતિકરૂપે પૂજન પણ કરવામાં આવ્યું હતું અને તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના દૂતને સોંપવામાં આવ્યું હતું. એ શિલા આજે પણ તિજોરીમાં બંધ છે, જાણે કે આ શિલા 22 વર્ષથી અહિલ્યાની જેમ મુક્તિની રાહ જોઇ રહી છે.
નોંધનીય છે કે 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી વિધ્વંસ બાદ, VHP અને તેના સહયોગી સંગઠનોએ મંદિર નિર્માણની ગતિવિધિઓ તેજ કરી હતી. 2002માં અયોધ્યા વિવાદના ઉકેલ માટે અટલજીએ હિંદુ અને મુસ્લિમ સંગઠનોના નેતાઓ સાથે વાત કરવા માટે કેન્દ્રમાં અયોધ્યા સેલના વરિષ્ઠ અધિકારી શત્રુઘ્ન સિંહની નિમણૂક કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ 15 માર્ચ 2002થી રામ મંદિરના નિર્માણની જાહેરાત કરી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે સંપાદિત કરેલી જમીન પર કોઇને પણ પૂજન કરવા દેવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે કોર્ટના હુકમનું પાલન કરવાનું વચન આપ્યું હતું અને VHP સાથે વાત કર્યા બાદ પ્રતીકાત્મક રીતે શિલાપૂજન કરવા સંમતિ દર્શાવી હતી. તે સમયે શત્રુઘ્ન સિંહ પીએમના ખાસ દૂત તરીકે અયોધ્યા આવ્યા હતા.
તે સમયે VHPના કાર્યકારી અધ્યક્ષ અશોક સિંઘલ અને મહંત રામચંદ્ર દાસ પરમહંસે સેંકડો કાર્યકરોની સમક્ષ શત્રુઘ્ન સિંહને રામશિલા અર્પણ કરી હતી. શત્રુઘ્ન સિંહે આ રામશિલાને ડબલ લોકમાં રાખી હતી, હવે જ્યારે ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છએ ત્યારે તેમાં આ શિલાનો પણ ઉપયોગ કરવો જરૂરી છે. આ શિલાને હવે કેન્દ્ર સરકારની અનુમતિ બાદ લોકની બહાર કાઢવામાં આવશે અને રામ મંદિરના નિર્માણમાં વાપરવામાં આવશે.