પ્રભુ રામના મંદિરની આજુબાજુના આટલા વિસ્તારમાં નહી જોવા મળે એકપણ દારૂની દુકાન
અયોધ્યા: યુપીના આબકારી પ્રધાન નીતિન અગ્રવાલ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મળવા પહોંચ્યા હતા જ્યાં તેમણે જણાવ્યું હતું કે શ્રી રામ મંદિર વિસ્તારને પહેલાથી જ દારૂ મુક્ત કરવામાં આવ્યો છે. આથી હવે રામનગરી અયોધ્યામાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે, જ્યાં પહેલાથી અસ્તિત્વમાં રહેલી તમામ દુકાનોને હટાવીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવશે.
અયોધ્યાની સાથે જ શ્રી રામ જન્મભૂમિના 84 કોસી પરિક્રમા માર્ગમાં ફૈઝાબાદ, બસ્તી, આંબેડકર નગર, સુલતાનપુરના વિસ્તારોને પણ સામેલ કરવામાં આવશે. જ્યાં પરિક્રમા માર્ગ પર એક પણ દારૂની દુકાન નહીં હોય. પહેલાથી આવેલી તમામ દુકાનોને ત્યાંથી દૂર કરી કોઈ બીજા સ્થળે ખસેડવામાં આવશે. તેમજ પરિક્રમા વિસ્તારમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
આબકારી પ્રધાનેએ સ્પષ્ટતા કરી હતી કે આ પ્રતિબંધ સમગ્ર અયોધ્યા મેટ્રોપોલિટન વિસ્તાર પર લાગુ નથી, તે માત્ર 84 કોસી પરિક્રમા વિસ્તારમાં જ લાગુ થશે. જો કે હાલમાં આ વિસ્તારમાં 500થી પણ વધારે દારૂની દુકાનો આવેલી છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, જેના કારણે અયોધ્યામાં રાજ્યના પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓનો મેળાવડો જોવા મળે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આવી રહ્યા છે, આ પહેલા 30 ડિસેમ્બરે પીએમ મોદી શ્રી રામ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા માટે અયોધ્યા આવશે.