
નવી દિલ્હી : ભારતીય એરલાઈન્સને છેલ્લા 6 દિવસમાં બોમ્બથી ઉડાવવાની(Airlines Bomb Threat) 70 ખોટી ધમકીઓ મળી છે. જેના પગલે સુરક્ષા એજન્સીઓ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ચિંતામાં પણ વધારો થયો છે. ત્યારે આ બાબતે ઉડ્ડયન સુરક્ષા સંસ્થા બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના અધિકારીઓએ શનિવારે દિલ્હીમાં એરલાઇન્સ કંપનીઓના પ્રતિનિધિઓને મળ્યા હતા. આ મીટિંગ દરમિયાન એરલાઇન્સના પ્રતિનિધિઓએ BCASના ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસન સાથે નકલી બોમ્બની ધમકીઓને કારણે આવી રહેલી સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી.
માર્ગદર્શિકાનું પાલન કરવાનો આદેશ
બીસીએએસના ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસને એરલાઈન્સ કંપનીઓને સલામતી અને સુરક્ષા માટેના માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. BCAS અધિકારીઓએ એરલાઇન્સના પ્રતિનિધિઓને પણ ખાતરી આપી હતી કે તેઓ સંબંધિત એજન્સીઓ સાથે આ મુદ્દાનું મૂળ કારણ શોધવા માટે કામ કરી રહ્યા છે.
સુરક્ષા પ્રોટોકોલ મજબૂત કરવામાં આવ્યા
મીટિંગ બાદ હસને કહ્યું કે આવા જોખમોનો સામનો કરવા માટે સુરક્ષા પ્રોટોકોલ મજબૂત છે. મુસાફરોએ કોઈપણ ડર વિના ઉડાન ભરવી જોઈએ. હસને કહ્યું, ‘ભારતીય એરસ્પેસ સંપૂર્ણપણે સુરક્ષિત છે. હાલ પરિસ્થિતિનો સામનો કરવા માટે મજબૂત છે. તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.
6 દિવસમાં એરલાઇન્સને 70 ખોટી ધમકીઓ
છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત લગભગ 70 ફ્લાઈટ્સને બોમ્બની ખોટી ધમકીઓ મળી છે. નકલી ધમકીઓને કારણે ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે કેટલીક એરલાઇન્સને તેમના તમામ મુસાફરોને ફરીથી સ્ક્રીનીંગ કરવાની ફરજ પડી હતી. જેના કારણે મોટી અસુવિધા અને વિલંબ થયો હતો.
કરોડો રૂપિયાનું નુકસાન
ભારતીય એરલાઇન્સ કંપનીઓ સામેની આવી ધમકીઓને કારણે ભારે નાણાકીય નુકસાન પણ થયું છે. એરલાઇન્સના અધિકારીઓનો અંદાજ છે કે તેમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે
આ સપ્તાહની શરૂઆતમાં નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ કહ્યું હતું કે કાયદા અમલીકરણ એજન્સીઓ એરલાઇન્સ સામે બોમ્બની ધમકીના તમામ કેસોની સક્રિયપણે તપાસ કરી રહી છે. સરકાર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.
ફ્લાઇટમાં માર્શલ તૈનાત કરવામાં આવશે
જ્યારે કેન્દ્ર સરકાર ફ્લાઇટ્સ પર એર માર્શલ્સની તૈનાતી વધારવાનું પણ આયોજન કરી રહી છે. જ્યારે તપાસ એજન્સીઓ ચેતવણીમાં કોઈ પેટર્ન છે કે કેમ તેની તપાસ કરશે.