ટોપ ન્યૂઝનેશનલ

ઉત્તરાખંડનાં ત્રણ જિલ્લા પર હિમપ્રપાતનું જોખમ; DGRE એ જારી કર્યું એલર્ટ…

નવી દિલ્હી: આજકાલ દેશનાં હવામાનનું અલગ જ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઠંડી અને ગરમી બંનેનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે દેશનાં પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા બાદ તેની સીધી અસર દેશનાં હવામાન પર જોવા મળી રહી છે. જો કે પર્વતીય રાજ્યોની માથે વધુ એક જોખમ તોળાય રહ્યું છે. ઉત્તરાખંડ સહિત જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને લદ્દાખનાં ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી છે.

આગામી 24 કલાક ભારે
ઉત્તરાખંડના ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢ જિલ્લામાં આગામી 24 કલાક ભારે સાબિત થઈ શકે છે. ડિફેન્સ જીઓઇન્ફોર્મેટિક્સ રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ (DGRE) ચંદીગઢે 2950 મીટર કે તેથી વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમપ્રપાતની ચેતવણી જારી કરી છે. આ પછી, વહીવટીતંત્રે સ્થાનિક લોકો અને પ્રવાસીઓને સતર્ક રહેવા અપીલ કરી છે.

સેનાની ચોકીઓને અસર
ઉત્તરાખંડમાં, ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઉત્તરકાશી જિલ્લા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તાજેતરમાં ઉત્તરાખંડના આ વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ હતી, ત્યાં હજુ પણ ત્રણથી ચાર ફૂટ જેટલો બરફ પડેલો છે. ચમોલી, રુદ્રપ્રયાગ અને પિથોરાગઢ ભારત તિબેટ સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓ છે અને અહીં ઊંચાઈ પર આર્મી, ITBP, SSB ની સરહદ ચોકીઓ છે. આથી અહીં હિમપ્રપાતનું જોખમ વધારે હોઈ શકે છે.

Also read : હરિયાણામાં એર ફોર્સનું ફાઈટર વિમાન ક્રેશ, પાઈલટનો આબાદ બચાવ

જિલ્લા વહીવટીતંત્ર સતર્ક
હિમપ્રપાતની ચેતવણી બાદ જિલ્લા વહીવટીતંત્ર સતર્ક થયું છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને બિનજરૂરી રીતે ઊંચાઈવાળા વિસ્તારોમાં ન જવા સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને હવામાન વિભાગની સૂચનાઓને ધ્યાને લેવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં વહીવટીતંત્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.

ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમપ્રપાત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 માર્ચ સુધી ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે. જોકે, ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમપ્રપાતનો ભય રહે છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડ્યે રાહત અને બચાવ ટીમો તૈનાત કરી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button