કાશ્મીરમાં હિમપ્રપાતઃ સિક્કિમમાં હિમવર્ષાને કારણે જનજીવન પર અસર
શ્રીનગર/ગંગટોકઃ જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં હિમપ્રપાતમાં એક વિદેશી નાગરિકનું મૃત્યુ થયું હતું અને અન્ય કેટલાક લોકો ગુમ થયા હતા. ઘણા વિદેશી પ્રવાસીઓ હજુ પણ ફસાયેલા છે અને તેમને બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
બીજી બાજુ ઉત્તર અને પૂર્વ સિક્કિમમાં કેટલાક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રસ્તાઓ ભારે હિમવર્ષાને કારણે અવરોધિત થયા હોવાનું બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન(બીઆરઓ)એ ગુરૂવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં સ્કી રિસોર્ટના ઉપરના ભાગમાં હિમપ્રપાત થયો હતો. હિમસ્ખલન સ્થળ પરથી પાંચ સ્કીયરોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હિમપ્રપાત કોંગદૂરી પર થયો હતો જેમાં ઘણા સ્કીયર્સ ફસાઈ ગયા હતા. વિદેશીઓ સ્થાનિક રહેવાસીઓ વિના સ્કી ઢોળાવ પર ગયા હતા. સેનાના જવાનો અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રની પેટ્રોલિંગ ટીમે રાહત-બચાવની કામગીરી શરૂ કરી હતી.
સિક્કિમના લાચુંગ અને લાચેન સાથેના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રસ્તાઓ અને નાથુ લા અને તમઝેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે હિમવર્ષા થઇ છે, જેનાથી સામાજિક-આર્થિક પ્રવૃતિઓમાં અવરોધ ઉભો થયો છે. એની સાથે જ રાહદારીઓને અવરજવર માટે પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પશ્ચિમ હિમાલયન ક્ષેત્રના વિક્ષેપને કારણે સિક્કિમમાં હવામાનમાં ફેરફાર આવ્યો છે, જેના કારણે સિક્કિમના ઉત્તરી અને પૂર્વીય ભાગમાં ભારે હિમવર્ષા થઇ રહી છે.
બીઆરઓએ જણાવ્યું હતું કે સિક્કિમમાં વિનાશક પૂરને પગલે ઉત્તર સિક્કિમ, ખાસ કરીને લાચેન ખીણ તરફ જતી કોમ્યુનિકેશન લાઇનને ભારે નુકશાન થયું છે. તેમજ ભારે હિમવર્ષાને પગલે બીઆરઓના પ્રોજેક્ટ સ્વસ્તિક હેઠળ ૭૫૮ બોર્ડર રોડ ટાસ્ક ફોર્સ(બીઆરટીએફ)ની એક ટીમ સરહદી વિસ્તારો તરફ જતા મહત્વપૂર્ણ રસ્તાઓ પર અવરનવર પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરી રહી છે, તેમ જણાવાયું છે.