
નવી દિલ્હી : ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. એવામાં ચમોલી જિલ્લામાં હિમપ્રપાતને(Chamoli Glacier Burst) કારણે મોટી દુર્ઘટના ઘટી છે. અહેવાલ મુજબ, હિમપ્રપાતને કારણે માણા ગામમાં 57 કામદારો બરફ નીચે દટાયા હતા. જેમાંથી 32 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.આ બચાવાયેલા કેટલાક કામદારોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમને માણા ગામ નજીક ITBP કેમ્પમાં મોકલવામાં આવ્યા છે.
Also read : Kullu Flood:હિમાચલમાં ભારે વરસાદથી અનેક સ્થળોએ પૂરની સ્થિતિ, અનેક હાઇવે બંધ, જુઓ વિડીયો
બચાવ કામગીરીમાં ખરાબ હવામાન પડકાર બન્યો
ચમોલી જિલ્લા મેજિસ્ટ્રેટ સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે બરફમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે ઘણી ટીમો તૈનાત કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારોમાં હવામાન હજુ પણ પડકારજનક છે. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે બરફમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ટીમ અને સમગ્ર વહીવટ સંપૂર્ણપણે સતર્ક છે.
અત્યાર સુધીમાં 32 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે. 25 કામદારો હજુ પણ બરફમાં ફસાયેલા છે. આવતીકાલે સવારે ફરી બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. બરફવર્ષા સવારે 4 વાગ્યે શરૂ થઈ હતી, જ્યારે હિમપ્રપાત સવારે 5 વાગ્યે થયો હતો.
બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી અને ગ્લેશિયર ફાટવાની ઘટના બાદ ફસાયેલા લોકોની સ્થિતિ અંગે પૂછપરછ કરી. તેમણે કહ્યું કે સરકારની પ્રાથમિકતા એ છે કે જે લોકો પહોંચની બહાર છે તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને ફસાયેલા કામદારોને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Also read : ઉત્તરાખંડના ચમોલીમાં વિનાશક હિમપ્રપાત; 57 શ્રમિકો દટાયા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી
ચમોલી જિલ્લાના સરહદી ગામ માના નજીકના ઊંચાઈવાળા વિસ્તારમાં બરફ દૂર કરતી વખતે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)ના કામદારો ફસાઈ ગયા હતા. બદ્રીનાથથી લગભગ ત્રણ કિલોમીટર દૂર માણા ભારત-તિબેટ સરહદ પર આવેલું છેલ્લું ગામ છે. જે 3200 મીટરની ઊંચાઈ પર આવેલું છે. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે.