નેશનલ

સત્તાધારીઓ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસની ઉજવણી દ્વેષભાવના ફેલાવવા માટે કરી રહ્યા છે: ખડગે

નવી દિલ્હી: ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર આકરો હુમલો કરતાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કહ્યું હતું કે આજના સત્તાધારીઓ ભાગલાવાદી વિચારધારાને પ્રોત્સાહન આપી રહ્યા છે અને વિભાજનની ભયાનકતા સ્મૃતિ દિવસની ઉજવણી દેશમાં દ્વેષભાવના ફેલાવવાના હેતુથી થઈ રહી છે.

એઆઈસીસીના મુખ્યાલયમાં ધ્વજારોહણ કર્યા બાદ તેમણે આરએસએસની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે સંઘ પરિવારે બ્રિટિશરોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને પોતાના લાભ માટે પ્રોત્સાહન આપ્યું છે.

વિવિધતામાં એકતા આપણી શક્તિ છે, નબળાઈ નહીં. કેટલાક લોકો એવો પ્રચાર કરે છે કે આપણને આઝાદી સરળતાથી મળી છે, પરંતુ સચ્ચાઈ એ છે કે લાખો લોકોએ બલિદાન આપ્યા છે. તેમના ઘરો છોડ્યા અને ભદ્ર સમાજના લોકોએ પોતાના પરિવારો છોડીને જેલમાં સમય ગાળ્યો હતો. તેમના દ્વારા દાખવવામાં આવેલા રસ્તા પર ચાલવાને બદલે આજના શાસકો વિભાજનવાદી વિચારધારાને પ્રોત્સાહન આપી રહ્યા છે.

આ પણ વાંચો: Criminal Lawsને લઇને Congress નો વિરોધ , મલ્લિકાર્જુન ખડગે કહ્યું સાંસદોને સસ્પેન્ડ કરી જબરજસ્તી પાસ થયા કાયદા

તેઓ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસની ઉજવણી દ્વેષભાવનાને ફેલાવવાના હેતુથી કરી રહ્યા છે. જે લોકો આઝાદીની લડાઈમાં સહભાગી થયા નથી તેઓ કૉંગ્રેસને સલાહ આપી રહ્યા છે અને કોઈપણ યોગદાન વગર તેઓ શહીદોની શ્રેણીમાં બેસવા માગે છે, એમ ખડગેએ કહ્યું હતું.

મોદી સરકાર 14 ઑગસ્ટે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસની ઉજવણી 2021થી કરી રહી છે.

ખડગેએ કહ્યું હતું કે ઐતિહાસિક સચ્ચાઈ એ છે કે દ્વેષ ભરેલા રાજકારણના પરિણામો દેશના ભાગલામાં આવ્યા હતા અને ભાગલા તેમના કારણે થયા હતા. પોતાના લાભ ખાતર સંઘ પરિવારે બ્રિટિશરોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને પ્રોત્સાહન આપ્યું હતું.

મોદી સરકારની હર ઘર તિરંગા ઝુંબેશ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે અમને આનંદ છે કે તેઓ પોતાની 60 વર્ષની ભૂલોનો પસ્તાવો કરી રહ્યા છે. જજે લોકો પોતાની કચેરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવતા નહોતા તેઓ હવે ઘરે ઘરે તિરંગો લહેરાવી રહ્યા છે, એમ ખડગેએ કહ્યું હતું. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button