નેશનલ

150ની સ્પીડે દોડી રહેલી Audi કારે કંકોત્રી વહેચવા નીકળેલા પિતા-પુત્ર સહીત 3ને કચડ્યા

રીવા: મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં એક લક્ઝરી ઓડી કારે ગોઝારો અકસ્માત સર્જ્યો છે. પૂરપાટ વેગે દોડતી એક ઓડી કારે બાઇકને પાછળથી ટક્કર મારતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. મૃતકોમાં પિતા અને પુત્રનો સમાવેશ થાય છે, તેઓ લગ્નની કંકોત્રી વહેંચવા જઈ રહ્યા હતા. ઓડી કારના ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ રેવા-રાયપુર રોડ પર કોષ્ઠા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યો એક મોટરસાયકલ પર સવાર થઇને લગ્નનું આમંત્રણ પાઠવવા ચિરહુલા નાથ મંદિર જઈ રહ્યા હતાં. પુરપાટ વેગે દોડતી ઓડી કારે મોટરસાઇકલને ટક્કર મારી હતી, અકસ્માત એટલો ગંભીર હતો કે, મોટરસાઇકલ પર સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા.

ખુશી શોકમાં ફેરવાઈ:
મૃતકોની ઓળખ રેવા જિલ્લાના ચાચાઈ ગામના રહેવાસી 55 વર્ષીય ભાગવત વિશ્વકર્મા અને તેમના નાના દીકરા 23 વર્ષીય શિવમ તરીકે થઈ છે. ભાગવત વિશ્વકર્મા મોટા દીકરાના લગ્ન 24 ફેબ્રુઆરીના થવાના હતા, જેના માટે પિતા પુત્ર એક અન્ય સંબંધી શીતલ સાથે મોટરસાયકલ પર સવાર થઈને આમંત્રણ કાર્ડ વહેંચવા નીકળ્યા હતાં. પરિવારની પરંતુ ખુશી થોડા સમયમાં જ શોકમાં ફેરવાઈ ગઈ.

લોકોએ કાર ચાલકને પકડ્યો:
પોલીસના જણાવ્યા મુજબ મોટરસાઈકલ સવાર રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પાછળથી ઓડી કારે તેમને ટક્કર મારી. ત્રણેય સવારો રસ્તા પર પટકાયા, અને ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. અકસ્માત સર્જીને ઓડી કારનો ચાલક ભાગી જવાનો પ્રયાસ કર્યો, પણ રસ્તા પર પસાર થઇ રહેલા લોકોએ તેને પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી:
કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ઓડી કાર 150 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે દોડી રહી હતી. ટક્કર એટલો ગંભીર હતી કે મોટરસાયકલનો કચ્ચરઘાણ નીકળી ગયો.

પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે અને ઓડી કાર જપ્ત કરી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 106 (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ FIR નોંધવામાં આવી છે. અહેવાલ મુજબ પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લીધો છે, જેની ઓળખની હજુ સુધી જાણ થઇ નથી.

નોંધનીય છે કે દેશમાં લક્ઝરી કારે સર્જેલા અકસ્માતો હમેશા ચર્ચામાં રહ્યા છે, કેમ કે આ મોધીદાટ કારના માલિક રાજકીય સંબંધો ધરાવતા હોય છે. આ કેસની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

આપણ વાંચો:  રાજસ્થાનના કોટામાં બિલ્ડિંગ ધરાશાયી થતા બેના મોત, અનેક ઘાયલ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button