સુપ્રીમ કોર્ટમાં CJI ગવાઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ; હુમલાખોરે ‘સનાતન ધર્મ’ના નારા લગાવ્યા

નવી દિલ્હી: આજે સોમવારે સવારે સુપ્રીમ કોર્ટમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ભારતના મુખ્ય ન્યાયધીશ(CJI) બી આર ગવાઈ એક કેસની સુનાવણી કરી રહ્યા હતાં ત્યારે એક શખ્સે તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો (Shoe hurled at CJI in supreme court) હતો. સાથે શખ્સે સનાતન ધર્મના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતાં. સુરક્ષા કર્મચારીઓ શખ્સને તાત્કાલિક કોર્ટરૂમની બહાર લઈ ગયા અને તેની અટકાયત કરી.
અહેવાલ મુજબ CJI પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારનું નામ રાકેશ કિશોર છે, તે વ્યવસાયે વકીલ છે. જૂતું ફેંકવાનો પ્રયાસ કરતા પહેલા તેણે બૂમો પાડી કે, “સનાતન ધર્મનું અપમાન સહન કરવામાં નહીં આવે.”
CJI ગવઈ શાંત રહ્યા:
કોર્ટના સુરક્ષા કર્મચારીઓ વકીલને બહાર લઇ ગયા ત્યાર બાર તેને પોલીસને સોંપવામાં આવ્યો. આ ઘટનાથી થોડીવાર માટે કોર્ટરૂમની કાર્યવાહી ખોરવાઈ ગઈ, ત્યારબાદ સુનાવણી ફરી શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન CJI ગવઈ સંપૂર્ણપણે શાંત રહ્યા. ઘટના બાદ CJI ગવઈએ કહ્યું કે આવી ઘટનાઓથી તેમના પર કોઈ અસર થતી નથી. તેમણે વકીલોને દલીલ ચાલુ રાખવા કહ્યું.
હુમલાની ટીકા:
કેટલાક લોકોએ એવું જણાવ્યું કે જૂતું નહીં પણ કાગળનો રોલ ફેંકવામાં આવ્યો હતો. જો કે એ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. CJIને નિશાન બનાવવા પાછળનો હેતુ શું હતો એ હજુ જાણી શકાયું નથી. સુરક્ષા એજન્સીઓ વધુ જાણવા માટે આરોપીની પૂછપરછ કરી રહી છે.
દેશના મુખ્ય ન્યાયધીશ પર થયેલા આ હુમલાની ચારે તરફ ટીકા કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: ‘સામાન્ય માણસોની પાર્ટી’ AAPએ 15 હજાર કરોડની કંપની ધરાવતા ધનિકને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા