મણિપુર સીએમના કાફલા પર હુમલો: આતંકવાદીઓના ફાયરિંગમાં એક જવાન ઘાયલ
હિંસાની આગમાં સળગી રહેલું મણિપુર ફરી એકવાર તેની ઝપેટમાં આવી ગયું છે. આ વખતે અહીંના જીરીબામ જિલ્લામાંથી હિંસા શરૂ થઈ છે, જે અત્યાર સુધી તેનાથી સુરક્ષિત હતું. મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર હુમલો કરવાના આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. મળતી માહિતી મુજબ હુમલાની આ ઘટનામાં એક જવાન ઘાયલ થયો છે. નોંધનીય છે કે કોટલાને ગામ પાસે હજુ પણ ફાયરિંગ ચાલુ છે.
પોલીસે જણાવ્યું હતું કે સીએમ એન બિરેન સિંહનો સુરક્ષા કાફલો મણિપુરના હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લામાં જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક અનેક રાઉન્ડ ફાયરિંગ થવા માંડ્યું હતું. સુરક્ષા દળોના વાહનો પર ઘણી ગોળીઓ છોડવામાં આવી હતી. આ જોઈને સુરક્ષાદળોએ તરત જ જવાબી કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો: Manipur News: મણિપુરમાં હિંસા યથાવત : કુકી આતંકવાદીઓનો નારાનસેન પર હુમલો, 2 CRPF જવાનો શહીદ
શંકાસ્પદ આતંકવાદીઓએ શનિવારે જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને 70 ઘરોને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાનો તાગ મેળવવા માટે સીએમનો કાફલો હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે મણિપુરના જીરીબામ જિલ્લામાં સ્થિતિ તંગ પરંતુ, નિયંત્રણમાં છે.
મણિપુરના જીરીબામમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા 59 વર્ષીય વ્યક્તિની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સોઇબામ સરતકુમાર સિંહ નામનો વ્યક્તિ 6 જૂને પોતાના ખેતરમાં ગયા બાદ ગુમ થઈ ગયો હતો. બાદમાં તેનું શરીર મળી આવ્યું હતું, જેના પર કોઈ તીક્ષ્ણ વસ્તુથી થયેલા ઘાવના નિશાન પણ હતા.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના મે મહિનાથી મણિપુરમાં જાતિગત હિંસા ચાલી રહી છે, જેમાં સેંકડો લોકોના મૃત્યુ થયા છે અને હજારો લોકો બેઘર થયા છે.