
દિલ્હી: મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા આજે સિવિલ લાઇન્સ સ્થિત તેમના નિવાસસ્થાને જન સુનવાઈ કઈ રહ્યા હતાં, આ દરમિયાન એક શખ્સે તેમના પર હુમલો કર્યો હતો. અહેવાલ મુજબ એક શખ્સે મુખ્ય પ્રધાનને થપ્પડ મારી અને તેમના પર પથ્થર ફેંક્યો (Attack on Delhi CM Rekha Gupta) હતો. પોલીસે હુમલો કરનાર શખ્સને અટકાયતમાં લીધો છે, તેને સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે, જ્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિલ્હી યુનીટે મુખ્ય પ્રધાન પરના હુમલાને વખોડી કાઢ્યો છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે પણ હુમલાની ટીકા કરી છે, અને હુમલાખોર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
અહેવાલ મુજબ મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર હુમલો કરનાર આરોપી ગુજરાતનો છે અને રાજકોટનો રહેવાસી છે. આરોપીનું નામ રાજેશભાઈ ખીમજી હોવાનું જાણવા મળ્યું છે.
મુખ્ય પ્રધાન નિવાસસ્થાનમાં શું બન્યું?
મુખ્ય પ્રધાન રેખા ગુપ્ત તેમના નિવાસ સ્થાને લોકોની સમસ્યા સાંભળી રહ્યા હતાં, આ દરમિયાન 30 વર્ષનો એક શખ્સ ઉભો થયો અને મુખ્ય પ્રધાનને એક કાગળ આપ્યો, અને અચાનક જોરથી બુમો પાડવાનું શરુ કર્યું, ત્યાર બાદ શખ્સ ગાળો બોલવા લાગ્યો અને મુખ્ય પ્રધાનને થપ્પડ મારી દીધી.
સિક્યોરિટી કર્મચારીઓએ હુમલાખોરને તુરંત પકડી લીધો અને પોલીસે તેને કસ્ટડીમાં લીધો, હુમલા પાછળના હેતુ અંગે હજુ સુધી જાણકારી મળી નથી.
ભાજપે કાવતરાની શંકા વ્યક્ત કરી:
BJPના દિલ્હી યુનીટે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે સાપ્તાહિક જન સુનવાઈ દરમિયાન મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર થયેલા હુમલાની દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવ સખત નિંદા કરે છે. દિલ્હી સરકારમાં પ્રધાન મનજિન્દર સિંહ સિરસાએ આ હુમલા પાછળ રાજકીય કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી.
AAPએ હુમલાને વખોડ્યો:
દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને AAP નેતા આતિશીએ પણ આ હુમલાને વખોડી કાઢ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું કે દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર હુમલો ખૂબ જ નિંદનીય છે. લોકશાહીમાં અસંમતિ અને વિરોધ માટે સ્થાન છે, પરંતુ હિંસા માટે કોઈ સ્થાન નથી. દિલ્હી પોલીસ હુમલાખોર સામે કડક કાર્યવાહી કરે એવી આશા છે.
દિલ્હીમાં મુખ્ય પ્રધાન સુરક્ષિત નથી!
દિલ્હીના કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે મુખ્ય પ્રધાન પર થયેલા હુમલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો અને આ ઘટનાને મહિલાઓની સુરક્ષા સાથે જોડી. તેમણે કહ્યું, “મુખ્ય પ્રધાન સમગ્ર દિલ્હીનું નેતૃત્વ કરે છે અને મને લાગે છે કે આવી ઘટનાઓની જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે, પરંતુ આ ઘટના મહિલાઓની સુરક્ષાનો મુદ્દો પણ ઉજાગર કરે છે. જો દિલ્હીના મુખ્ય પ્રધાન સુરક્ષિત નથી, તો પછી એક સામાન્ય મહિલા કેવી રીતે સુરક્ષિત રહી શકે?”
જાતે જ હુમલો કરાવ્યો?
કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ ઘટનાની વાખોડી હતી અને ભાજપ સામે સવાલો પણ ઉઠાવ્યા હતાં. તેમણે કહ્યું આ ખૂબ જ દુઃખદ છે; રાજકારણમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. પરંતુ ભાજપ હિંસાની જનની છે. લોકો ભાજપથી ગુસ્સે છે, જેણે પણ આ કર્યું છે તેની તપાસ થવી જોઈએ. જ્યારે અરવિંદ કેજરીવાલ પર હુમલો થયો હતો, ત્યારે ભાજપ દાવો કરતી કે તેમણે જાતે જ હુમલો કરાવ્યો છે છે. તો હવે ભાજપે જાતે જ તપાસવું પડશે કે આ માત્ર અકસ્માત હતો કે તેમણે જ હુમલો કરાવ્યો હતો?
આપણ વાંચો: વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ ક્યાં વિવાદાસ્પદ ચૂકાદા આપ્યા હતા?