નેશનલ

સરપંચ પતિની જેમ મુખ્ય પ્રધાન પતિ? આતિશીએ દિલ્હીનાં મુખ્ય પ્રધાન પર કર્યા આક્ષેપો

નવી દિલ્હી: ગામમાં ચૂંટાયેલા મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ પંચાયતનો વહીવટ સંભાળતા હોય એવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, લોકપ્રિય વેબ સિરીઝ પંચાયતમાં પણ ‘પ્રધાન પતિ’ (સરપંચ પતિ) નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એવામાં દિલ્હીમાં ‘મુખ્ય પ્રધાન પતિ’ની ચર્ચાએ જોર પકડ્યું છે. દિલ્હીના પૂર્વ મુખ્ય પ્રધાન અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આતિશી એ મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા (Atishi Marlena allegation on Rekha Gupta)પર ગંભીર આરોપ લગાવ્યા છે. આતિશીએ આરોપ લગાવ્યો કે રેખા ગુપ્તાના પતિ દિલ્હીમાં સરકાર ચલાવી રહ્યા છે. આતિશીના નિવેદનથી રાજકીય વિવાદ ઉભો થયો છે, જેને કારણે રેખા ગુપ્તાના પતિ મનીષ ગુપ્તા (Manish Gupta)ચર્ચામાં આવ્યા છે.

નોંધનીય છે કે, આ વર્ષના શરૂઆતમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP) કારમી હાર થઇ હતી, ભાજપની પ્રચંડ જીત બાદ રેખા ગુપ્તા દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા હતાં. હવે AAPએ દિલ્હીની ભાજપ સરકારને વિવિધ મુદ્દે ઘેરવાની શરૂઆત કરી છે. એવામાં આતિશીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં એક ફોટો શેર કયો અને લખ્યું, “આ ફોટો ધ્યાનથી જુઓ. જે વ્યક્તિ MCD, DJB, PWD અને DUSIB ના અધિકારીઓની મીટિંગ લઈ રહ્યો છે તે દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાના પતિ છે.”

આતિશીના આરોપ:
આતિશીએ લખ્યું કે “પહેલાં આપણે સાંભળતા હતા કે જો ગામમાં કોઈ મહિલા સરપંચ ચૂંટાય છે, તો બધા સરકારી કામ તેના પતિ દ્વારા જ કરવામાં આવશે… પરંતુ દેશના ઇતિહાસમાં આ પહેલી વાર હશે કે કોઈ મહિલા મુખ્ય પ્રધાન બની હોય અને બધા સરકારી કામ તેના પતિ દ્વારા જ કરવામાં આવી રહ્યા હોય.”

આતિશીને એવો પણ સવાલ કર્યો કે શું વારંવાર વીજળી કાપ અને ખાનગી શાળાઓની ફીમાં વધારો પાછળ વહીવટમાં તેમના પતિની ભૂમિકા હતી.

ભાજપનો જવાબ:
ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આતિશીને જવાબ આપ્યો છે. તેમણે આતિશી દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીને “અપમાનજનક” ગણાવી હતી. X પરની પોસ્ટમાં સચદેવાએ રેખા ગુપ્તાનો બચાવ કરતા કહ્યું કે રેખા ગુપ્તા સખત મહેનત અને દૃઢ નિશ્ચય સાથે આગળ વધ્યા છે અને પરિવારના સભ્યો માટે જાહેર પ્રતિનિધિઓને ટેકો આપવો એ સંપૂર્ણપણે સામાન્ય બાબત છે. સચદેવાએ પૂછ્યું “શું આ લોકશાહીનું અપમાન નથી?”

કોણ છે માનીશ ગુપ્તા?
રેખા ગુપ્તાના પતિ મનીષ ગુપ્તા દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ છે. રેખા ગુપ્તાએ ચૂંટણી પંચને સુપરત કરેલા સોગંદનામા મુજબ, મનીષ ગુપ્તા વ્યવસાયે વેપારી છે અને તેમની પેઢીનું નામ નિકુંજ એન્ટરપ્રાઇઝ છે. મનીષ ગુપ્તા કોટક લાઇફ ઇન્શ્યોરન્સમાં એજન્સી એસોસિયેટ પણ છે. દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા પછી, રેખા ગુપ્તાએ સફળતાનો શ્રેય પોતાના પતિને આપ્યો અને કહ્યું કે રાજકીય સફર દરમિયાન તેમને ટેકો આપ્યો છે.

આપણ વાંચો:  પશ્ચિમ બંગાળમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિઃ ત્રણએ જીવ ખોયા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button