એશિયન ગેમ્સમાં એથ્લિટ્સ ઝળક્યાં: પારુલ અને અન્નુએ જીત્યા ગોલ્ડ મેડલ
હોંગઝોઉ: ચીનમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં 10મો દિવસ ભારતીય એથ્લિટ્સના નામે રહ્યો હતો. ભારતે બે ગોલ્ડ, બે સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સાથે કુલ નવ મેડલ્સ જીત્યા હતા. ભારતે વિમેન્સ ભાલા ફેંક અને વિમેન્સ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 69 મેડલ જીત્યા છે જેમાં 15 ગોલ્ડ, 26 સિલ્વર અને 28 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. અન્નુ રાનીએ મહિલાઓની ભાલા ફેંક ઇવેન્ટમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તેણે 62.92 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો. આ તેનું સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. આ ઈવેન્ટમાં શ્રીલંકાને સિલ્વર મેડલ અને ચીનને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
ભારતીય એથ્લેટ પારુલ ચૌધરીએ મહિલાઓની 5,000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. પારુલે 15 મિનિટ અને 14.75 સેક્નડનો સમય લીધો હતો. આ એશિયન ગેમ્સમાં મહિલાઓની 5,000 મીટર દોડમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ છે. પારુલ ત્રીજી ટે્રક એન્ડ ફિલ્ડ એથ્લિટ બની ગઇ છે. અગાઉ પારુલે 3,000 મીટર રેસમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. તેજસ્વિન શંકરે એશિયન ગેમ્સની મેન્સ ડેકાથલોન ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે ડેકાથલોન મેન્સ નેશનલ રેકોર્ડ પણ તોડ્યો છે. ભારતે લગભગ 49 વર્ષ પછી એશિયન ગેમ્સનો ડેકાથલોન ઇવેન્ટમાં મેડલ જીત્યો છે. તેજસ્વિન શંકર ચીનના ગોલ્ડ મેડલ વિજેતા એથ્લેટથી 150 પોઈન્ટ પાછળ રહ્યો. તેજસ્વિન શંકરે 7,666 પોઇન્ટ મેળવીને રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો. ભારતના મોહમ્મદ અફસલે 800 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મોહમ્મદ અફઝલે 1:48:43 મિનિટમાં 800 મીટરની દોડ પૂર્ણ કરી હતી. ભારતીય બોક્સર નરેન્દ્રએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નરેન્દ્રને 92 કિગ્રા ઈવેન્ટની સેમિફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રવીણ ચિત્રવેલે ટ્રિપલ જમ્પ (16.68 મીટર)માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રવીણ ચિત્રવેલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ રીતે ભારતના મેડલની સંખ્યા વધીને 65 થઈ ગઈ છે. જ્યારે ભારત માટે આજે આ પાંચમો મેડલ છે.
પ્રવીણ ચિત્રવેલે પુરુષોની ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે છઠ્ઠા પ્રયાસમાં 16.68 મીટરની છલાંગ લગાવીને ત્રીજું સ્થાન મેળવવામાં સફળ રહ્યો હતો. વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ્સમાં 55.68 સેક્નડના સમય સાથે ત્રીજા સ્થાને રહી અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બહેરીને આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પ્રીતિએ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેને સેમિફાઇનલમાં ચીનની યુઆન ચાંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ અર્જુન અને સુનીલ સિંહે કૈનો ડબલ 1,000 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.