પ્રાણ પ્રતિષ્ઠા સમયે આટલા વાદ્યયંત્રોમાંથી રેલાયા મંગલ ધ્વનિના સૂર…
આજે અયોધ્યા અને અયોધ્યાવાસીઓ એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. વર્ષોની લાંબી પ્રતિક્ષા બાદ આખરે રામ લલ્લા આજે ગર્ભગૃહમાં બિરાજમાન થયા હતા. દિવ્ય અને ભવ્ય કાર્યક્રમમાં પ્રાણ ફૂંકવાનું કામ કર્યું સંગીતના સુમધુર સૂરે…
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આશરે 50 વાદ્યયંત્રની મદદથી મંગલ ધ્વનિ વગાડવામાં આવ્યો હતો અને અયોધ્યાના પ્રસિદ્ધ કવિ યતિન્દ્ર મિશ્રએ આ તમામ વાદ્યોને એક સૂરમાં સંયોજિત કર્યા હતા.
આ વાદ્યોમાં ઉત્તર પ્રદેશથી પખવાજ, વાંસળી અને ઢોલક, કર્ણાટકથી વીણા, પંજાબથી અલગોજા, મહારાષ્ટ્રમાંથી સુંદરી, ઓડિશાથી મર્દલા, મધ્ય પ્રદેશથી સંતુર, મણિપુરથી પુંગ, આસામથી નગારું અને કાલી, છત્તીસગઢથી તંબુરાનો સમાવેશ થાય છે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મંગલ ધ્વનિ વાદન પહેલાં બોલીવૂડની સિંગર સોનુ નિગમ, અનુરાધા પૌંડવાલ અને શંકર મહાદેવને ભજન રજૂ કર્યા હતા. મંદિર ટ્રસ્ટના સભ્યએ વાત કરતાં જણાવ્યું હતું કે અયોધ્યાની શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં આયોજિત રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ શુભ પ્રસંગે વિવિધ રાજ્યના 50 ઉત્કૃષ્ટ વાદ્યયંત્રોનું એક સૂરમાં મંગલ ધ્વનિનું વાદન કર્યું હતું.
આખી અયોધ્યાનગરી ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમાં ડૂબી ગઈ હતી, કારણ કે એને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી છે અને એમાં પણ ખાસ કરીને રામ પથ અને ધર્મ પથને… જેને સરકાર નવ્ય, દિવ્ય અને ભવ્ય અયોધ્યા કહીને સંબોધે છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ પહેલાં જ અહીં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. લોકોએ દિવાળીની ઊજવણી કરતાં હોય એમ ઘરોમાં લાઈટિંગ, દીવા અને રંગોળીઓ કરી હતી.
નિહંગ સીખોથી લઈને ઈસ્કોન અને દેશભરના મંદિર ટ્રસ્ટોથી લઈને અયોધ્યાના સ્થાનિક રહેવાસીઓએ ભક્તોએ માટે લંગરની વ્યવસ્થા કરી હતી. શહેરમાં આવનારા ભક્તો આ સામુદાયિક રસોડામાં તાજા ભોજન અને ચાનો સ્વાદ માણી શકે છે.