
જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરનો કેટલોક ભાગ આજે પણ પાકિસ્તાનના કબજા હેઠળ આવેલો છે જેના કારણે ત્યાં ઘણીવાર આદંકી હુમલાઓ થતા રહે છે. ત્યાંની પોલીસ સતત આતંકવાદી જૂથો સામે કડક કાર્યવાહી કરતી રહે છે. ત્યારે ઘણીવાર કાશ્મીરમાં રહેતા લોકો જ આતંકવાદીઓનો સાથ આપીને આતંકવાદ ફેલાવતા હોય છે.
અને તેના કારણે જમ્મુ કાશ્મીરની પોલીસ લોકલ આતંકવાદી સામે પણ કડક કાર્યવાહી કરતી હોય છે. હવે પોલીસે આતંકવાદીઓ અને તેમની મદદ કરનારની કમર તોડવા માટે તેમની સંપત્તિ જપ્ત કરવાનું શરૂ કર્યું છે. ત્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસે છ ડિસેમ્બરના રોજ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાંથી એક ફરાર આતંકવાદીની સંપત્તિ જપ્ત કરી હતી.
પોલીસના જણાવ્યું હતું કે આ જમીન લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી ઈરફાન અહેમદ ભટના પરિવારની છે. જમ્મુ-કાશ્મીર પોલીસ તેને પહેલા જ ભાગેડુ જાહેર કરી ચૂકી છે. તેમજ ઈરફાન લશ્કરનો સક્રિય આતંકવાદી છે. ઇરફાનનો ભાઇ પાકિસ્તાનમાં રહીને તમામ આતંકવાગી પ્રવૃત્તિઓ ચલાવે છે.
ત્યારે તેમની જે પણ મિલકત છે તેને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે વપરાતી સંપત્તિ ગણવામાં આવશે અને તેને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવશે.
નોંધનીય છે કે આ વર્ષે જૂન મહિનામાં પણ જમ્મુ-કાશ્મીર પોલીસે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવી જ એક કાર્યવાહી કરી હતી. પોલીસે જિલ્લાના દાનવથપોરા કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓને મદદ કરી રહેલા એક સહયોગીનું નિર્માણાધીન ઘર તોડી પાડ્યું હતું. કારણકે આ ઘરનો ઉપયોગ આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ કરતા હતા. ખાસ બાબત તો એ છે કે હવે પછી જ્યાં પણ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલશે કે પછી આતંકવાદી પ્રવૃત્તિમાં મદદ કરશે એ તમામની મિલકતોને જપ્ત કરવામાં આવશે.