વિધાનસભા ચૂંટણીઃ એમપીમાંથી પકડાઈ આટલા કરોડની રોકડ, દારૂ અને જ્વેલરી જપ્ત
ભોપાલ: મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે દરેક પક્ષો પોતાના મતવિસ્તારને મજબૂત કરવાના ભાગરુપે શામ-દંડની નીતિ અપનાવી રહ્યા છે, ત્યારે નવમી ઓક્ટોબરે આદર્શ આચારસંહિતા લાગુ થઈ ત્યારથી સંબંધિત એજન્સીઓએ પચીસ કરોડ રૂપિયાથી વધુની રોકડ ઉપરાંત દારૂ, ડ્રગ્સ, જ્વેલરી અને બસો કરોડ રૂપિયાથી વધુની અન્ય સામગ્રી જપ્ત કરી હતી.
રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ રાજને બુધવારે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા અમલમાં આવી ત્યારથી રાજ્યમાં અમલીકરણ એજન્સીઓ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફ્લાઈંગ સર્વેલન્સ ટીમ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર દારૂ, માદક દ્રવ્ય, રોકડ, કિંમતી ધાતુઓ, સોનું, ચાંદી, ઝવેરાત સહિત ₹ ૨૨૬ કરોડથી વધુની અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
નવમી ઓક્ટોબરથી આ સંયુક્ત ટીમોએ ₹ ૨૫.૦૫ કરોડની રોકડ, ₹ ૩૬.૯૯ કરોડની કિંમતનો ૧૯.૫૭ લાખ લીટર ગેરકાયદેસર દારૂ, ₹ ૧૧.૭૦ કરોડના માદક પદાર્થ, ₹ ૭૫.૦૬ કરોડની કિંમતનું સોનું, ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ અને ૭૭.૩૧ કરોડ રૂપિયાની અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.
૨૦૧૮ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં (તે વર્ષે ૬ ઓક્ટોબરથી ૨૮ નવેમ્બરની વચ્ચે) આદર્શ આચારસંહિતા દરમિયાન અમલીકરણ એજન્સીઓએ ₹ ૭૨.૯૩ કરોડની સામગ્રી જપ્ત કરી હતી. આ વખતે, ૨૩૦ સભ્યોની મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે કુલ ૩૮૩૨ ઉમેદવારોએ ૪૩૫૯ ઉમેદવારી નોંધાવી છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ૧૭ નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી ૩ ડિસેમ્બરે કરવામાં આવશે.