રોહિત બાદ હવે કેપ્ટન તરીકે મોદીની મોટી કસોટી
3 ડિસેમ્બરે સેમીફાઇનલના પરિણામો પરથી ફાઇનલનું ચિત્ર થશે સ્પષ્ટ
નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીત્યા બાદ ભારત ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. આ હાર બાદ આખો દેશ નિરાશ થઇ ગયો છે. કોઇએ એવી કલ્પના નહોતી કરી કે ભારત ફાઇનલમાં હારી જશે, પણ ક્રિકેટ નસીબનો ખેલ છે અને નસીબે ઑસ્ટ્રેલિયાને યારી આપી હતી. રોહિત શર્માના કેપ્ટન તરીકેનું રિપોર્ટ કાર્ડ તો આપણે જાણીએ જ છીએ. હવે આવી જ હરીફાઈ રાજકીય પીચ પર થવા જઈ રહી છે. આ મેચ પર પણ સમગ્ર દેશની નજર છે. રાજકીય હરીફાઈમાં ભાજપને મુખ્ય ટીમ માનવામાં આવે છે અને આ ટીમના કેપ્ટન પીએમ મોદી છે. આ રાજકીય હરીફાઈની સેમીફાઈનલના પરિણામો આ વર્ષે 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે અને ફાઈનલ આવતા વર્ષે યોજાશે.
વર્લ્ડ કપની હાર બાદ ખુદ પીએમ મોદીએ ડ્રેસીંગ રૂમમાં જઇને ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ગળે લગાવીને સાંત્વના આપી હતી. જીત હોય કે હાર હોય, સફળતા હોય કે નિષ્ફળતા હોય પીએમ મોદી દરેક પ્રસંગે દેશના ખેલાડીઓ અને વૈજ્ઞાનિકોની સાથે ઉભા રહ્યા છે, પરંતુ હવે પીએમ મોદીની ખુદની કસોટી છે. આ વર્ષે પાંચ રાજ્યોના વિધાનસભા પરિણામોમાં ભાજપના પ્રદર્શન સાથે સંબંધિત આ કસોટી છે.
આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી છે. મિઝોરમ સિવાય બીજેપી તમામ 4 રાજ્યોમાં પીએમ મોદીના ચહેરા પર ચૂંટણી લડી રહી છે. આ રાજ્યોમાં નવેમ્બરમાં મતદાન થશે અને પરિણામ 3 ડિસેમ્બરે આવશે.
હાલની વિધાન સભાની ચૂંટણીઓમાં ભાજપે પીએમ મોદી પર જ દાવ લગાવ્યો છે. આવી સ્થિતિમાં જો ભાજપને અહીં સફળતા નહીં મળે તો હારનું ઠીકરું પણ પીએમ મોદીના માથે જ ફૂટશે. ભાજપ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણામાં પીએમ મોદીના નામ પર મત માગી રહ્યો છે.
મધ્યપ્રદેશ સિવાય અન્ય 4 ચૂંટણી રાજ્યોમાં ભાજપની સરકાર નથી. આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે મધ્યપ્રદેશમાં વાપસી કરવાની છે. આ ઉપરાંત રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢની ચૂંટણી પણ જીતવી પડશે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ પણ આ રાજ્યોમાં જીતનું મહત્વ સમજે છે.
આ જ કારણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા છે. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે આ વિધાનસભા ચૂંટણી ભાજપ માટે સેમીફાઇનલ છે અને આ ચૂંટણી જીતવાની રણનીતિ સીધી દિલ્હી બીજેપી હેડક્વાર્ટરથી નક્કી કરવામાં આવી રહી છે. ચૂંટણીઓ સીધી પીએમ મોદીની દેખરેખ અને કપ્તાનીમાં લડવામાં આવી રહી છે.
પાંચે રાજ્યમાં ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના અનેક કેન્દ્રીય નેતાઓ પોતપોતાની પાર્ટીનો જોરશઓરથી પ્રચાર કરી રહ્યા છે.
તાજેતરમાં એક ઓપિનિયન પોલના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપ રાજસ્થાનમાં પૂર્ણ બહુમત સાથે વાપસી કરી રહી છે. છત્તીસગઢમાં ભારે મુકાબલો બાદ ભાજપ પાછળ પડી શકે છે. મધ્યપ્રદેશમાં કૉંગ્રેસનું પલડું ભારી છે. તેલંગાણામાં કેસીઆર અને કૉંગ્રેસ વચ્ચે જંગ છે. ભાજપનો ક્યાંય પિક્ચરમાં જ નથી. મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ બહુમતી સુધી પહોંચી શકે છે.