આ 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, જાણો ક્યારે કયા પ્રદેશમાં યોજાશે મતદાન

જેની બહુ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે લોકસભા ચૂંટણી અને 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. દેશના ચાર રાજ્યો આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ઓડિસા અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ ચૂંટણી પંચે જાહેર કરી દેતા આ રાજ્યોમાં લોકસભા અને વિધાન સભાની ચૂંટણી એક સાથે જ યોજાશે.
મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે 4 રાજ્યોમાં વિધાન સભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. ઉલ્લેખનિય છે કે ઓડિશામાં 147, સિક્કિમમાં 32, અરુણાચલ પ્રદેશમાં 60 અને આંધ્ર પ્રદેશમાં 175 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે.
ચૂંટણી પંચે આપેલી માહિતી મુજબ સિક્કિમમાં 20 માર્ચના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે અને 19 એપ્રિલના રોજ મતદાન થશે. કે જ પ્રકારે ઓડિસામાં 13 મેના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે, અને 19 એપ્રિલના રોજ મતદાન થશે. ઉલ્લેખનિય છે કે ઓડિસામાં 7 તબક્કામાં વિધાનસભા મતદાન થશે.
અરૂણાચલ પ્રદેશમાં 20 માર્ચના દિવસે નોટિફિકેશન જાહેર થશે અને 19 એપ્રિલના રોજ મતદાન થશે, જ્યારે આંધ્રપ્રદેશમાં 18 એપ્રિલના રોજ નોટિફિકેશન જાહેર થશે અને 13 મેના રોજ મતદાન થશે અને 4 જુનના દિવસે રાજ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
ઓડિશામાં બીજુ જનતા દળ (બીજેડી) સત્તામાં છે. બીજુ જનતા દળના પ્રમખ નવીન પટનાયક વર્ષ 2000થી ઓડિસામાં સત્તારૂઢ છે. અહીં બીજુ જનતા દળ સાથે ભાજપ સીધી સ્પર્ધામાં છે. તે જ પ્રકારે YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના નેતા જગન મોહન રેડ્ડી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે. અહીં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), અભિનેતા પવન કલ્યાણની જનસેના અને ભાજપ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.
અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડુના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. 2019માં પાર્ટીએ 60માંથી 42 સીટો જીતી હતી. આ સિવાય સિક્કિમમાં પ્રેમ સિંહ તમાંગના નેતૃત્વમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)ની સરકાર છે. અહીં ભાજપ ગઠબંધન સરકારમાં સામેલ છે
આ રાજયોમાં યોજાશે પેટાચૂંટણી
આ ઉપરાંત ગુજરાતની 5, યુપીની 4, હરિયાણા, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, રાજસ્થાન, કર્ણાટક અને તમિલનાડુની 1-1 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. અહીં તે વિસ્તારમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની સાથે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને મતદાન થશે.