‘સિનિયર પવાર સુપ્રિયાને ગાઝામાં હમાસ માટે લડવા મોકલશે’ પેલેસ્ટાઈનના નિવેદન પર સીએમ હિમંતાનો કટાક્ષ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ અંગે ભારતીય રાજકીય પક્ષોના મત અલગ-અલગ છે. એક તરફ કેન્દ્ર સરકાર ઈઝરાયલનું સમર્થન કરી રહી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ પેલેસ્ટાઈનની સાથે છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને NCP સુપ્રીમો શરદ પવારે પણ તાજેતરમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું, જેના પર હવે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ પ્રતિક્રિયા આપી છે.
આસામના સીએમએ બુધવારે કહ્યું કે શરદ પવાર તેમની પુત્રી સુપ્રિયા સુલેને ગાઝા મોકલશે. જ્યારે હિમંતાને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે પવારના અભિપ્રાય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “મને લાગે છે કે શરદ પવાર સુપ્રિયા મેડમને હમાસ માટે લડવા મોકલશે.”
હિમંતા બિસ્વાની આ ટિપ્પણી શરદ પવારના નિવેદનના થોડા દિવસો બાદ આવી છે, જ્યારે સિનિયર પવારે કહ્યું હતું કે ભારતના અગાઉના વડાપ્રધાનો પેલેસ્ટાઈનની સાથે મજબૂતીથી ઉભા રહ્યા હતા. એનસીપી સુપ્રીમોએ વડા પ્રધાન મોદીના ઇઝરાયલને સમર્થનને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવ્યું હતું. પવારે કહ્યું હતું કે, “સમગ્ર જમીન પેલેસ્ટાઈનની છે અને ઈઝરાયલે તેમની જમીન પર કબજો જમાવ્યો છે. તે જગ્યા, જમીન અને મકાનો, બધું જ પેલેસ્ટાઈનનું હતું અને બાદમાં ઈઝરાયલે તેના પર કબજો જમાવ્યો હતો. ઈઝરાયલ બહારની વ્યક્તિ છે.” અને આ જમીન મૂળ પેલેસ્ટાઈનની હતી. ” તેમણે કહ્યું હતું કે જેઓ મૂળ ઈઝરાયલના રહેવાસી છે તેમની સાથે NCP ઉભી છે.
શરદ પવારની આ ટિપ્પણીની ભાજપે પણ નિંદા કરી હતી. સીએમ હિમંતા પહેલા, કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે, શરદ પવાર જેવા વરિષ્ઠ નેતાઓ ઇઝરાયલમાં આતંકવાદી હુમલા પર ભારતના વલણ અંગે “વાહિયાત નિવેદનો” આપે છે તે ખૂબ જ ચિંતાજનક છે. કેન્દ્રીય પ્રધાન ગોયલે એક ટ્વિટમાં કહ્યું હતું કે, “પવારજી એ જ સરકારનો ભાગ હતા જેણે બાટલા હાઉસ એન્કાઉન્ટર પર આંસુ વહાવ્યા હતા અને જ્યારે ભારતની ધરતી પર આતંકવાદી હુમલા થયા ત્યારે એક શબ્દ પણ નહોતા બોલ્યા.”