આસામમાં સિવિલ સેવા અધિકારીના નિવાસે દરોડા, બે કરોડથી વધુની સંપત્તિ જપ્ત

ગુવાહાટી : આસામમાં વિવાદાસ્પદ સિવિલ સેવા અધિકારી નુપુર બોરાના નિવાસે ફરિયાદના આધારે વિજીલન્સ વિભાગે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ટીમે લગભગ 90 લાખ રૂપિયાની રોકડ અને 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતના સોનાના દાગીના જપ્ત કર્યા હતા. કુલ મળીને 2 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
આવકથી વધુ સંપત્તિનો કેસ દાખલ
આ દરોડા બાદ નુપુર બોરાની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની પણ આવકથી વધુ સંપત્તિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. નુપુર બોરા વર્ષ 2019 બેચની એસીએસ અધિકારી છે. તેમણે બારપેટા અને કાર્બી આંગલોંગ જીલ્લામાં મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું છે. હાલ નુપુર બોરાની પૂછપરછ ચાલુ છે.વિજિલન્સ સેલ દ્વારા અન્ય સંભવિત મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસ આસામમાં સિવિલ સેવાઓની પારદર્શિતા પર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.
ચલણી નોટોના બંડલ અને સોનાના દાગીના મળ્યા
વિજિલન્સ ટીમે સવારથી સાંજ સુધી ગુવાહાટીમાં નુપુર બોરાના નિવાસસ્થાને સઘન તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન ચલણી નોટોના બંડલ અને કિંમતી સોનાના દાગીના મળી આવ્યા હતા. જેમાં મહત્વનું છે કે, બારપેટામાં તેમના પોસ્ટિંગ દરમિયાન તેમના પર કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં સંડોવણીના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. વિજિલન્સ સેલ છેલ્લા છ મહિનાથી તેમના પર નજર રાખી રહ્યું હતું. જેના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો.
આપણ વાંચો: નશામાં ધૂત પોલીસકર્મીએ 3 બાળકોને કચડ્યા, 2ના મોત, લોકોએ પકડીને પોલીસને સોંપ્યો