નેશનલ

આસામમાં ત્રણથી વધુ બાળક ધરાવતી મહિલાઓને નહીં મળે સરકારી મદદઃ હિમંતા સરકાર

દિબ્રુગઢઃ કોંગ્રેસ અને મુસ્લિમો માટેના પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારા આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સાહસિકો માટે નવી નાણાકીય સહાય યોજનાની જાહેર કરી છે. જોકે, તેમણે આ માટે એક શરત મૂકી છે. આસામ સરકારે આ યોજનાનો લાભ મેળવવા માટે બાળકોની મર્યાદા નક્કી કરી છે.

જો જનરલ અને ઓબીસી કેટેગરીની મહિલાઓ આ યોજનાનો લાભ મેળવવા માંગતી હોય તો તેમને ત્રણથી વધુ બાળકો ન હોવા જોઈએ. જ્યારે અનુસૂચિત જનજાતિ (ST) અને અનુસૂચિત જાતિ (SC) મહિલાઓ માટે આ મર્યાદા ચાર બાળકોની છે.

ગુરુવારે મુખ્ય પ્રધાન મહિલા આંત્રપ્રિન્યોરશિપ ઝુંબેશ (એમએમયુએ)ની જાહેરાત કરતા આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે ધીમે ધીમે રાજ્ય સરકારની તમામ લાભાર્થી યોજનાઓમાં આ શરત લાગુ કરવામાં આવશે. 2021માં તેમણે જાહેરાત કરી હતી કે આસામ સરકાર ટૂંક સમયમાં સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે બે બાળકોની મર્યાદા લાગુ કરશે.


એમએમયુએ યોજના માટેના ધોરણો હાલ પૂરતા હળવા કરવામાં આવ્યા છે. હાલમાં મોરાન, મોટોક અને ચાઈ આદિવાસીઓ એસટી દરજ્જાની માંગ કરી રહ્યા છે. તેમના પર પણ ચાર બાળકોની મર્યાદા લાદવામાં આવી છે. એમએમયુએ યોજના હેઠળ આસામ સરકાર મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે તેમને આર્થિક મદદ કરશે. જેથી તેઓ સ્વરોજગાર શરૂ કરી શકે.


આ યોજના સાથે બાળકોની મર્યાદાની શરત જોડવાનો તર્ક સમજાવતા મુખ્ય પ્રધાને કહ્યું હતું તે તેમને ઉદ્દેશ એવો છે કે મહિલાઓને આપવામાં આવતી આર્થિક મદદનો તેઓ વ્યવસાયો સ્થાપિત કરવા માટે ઉપયોગ કરે. જો કોઇ મહિલાને ચાર બાળક હોય તો તેને બિઝનેસ કરવા માટે સમય ક્યાં મળશે? તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ યોજનામાં રાખવામાં આવેલી શરતથી ગ્રામીણ આસામમાં સ્વ-સહાય જૂથોમાં સામેલ 39 લાખ મહિલાઓમાંથી લગભગ 5 લાખ મહિલાઓ આ યોજનામાંથી બાકાત રહે તેવી શક્યતા છે.


બાળકોની સંખ્યા પર મર્યાદા નક્કી કરવા ઉપરાંત, લાભાર્થીઓએ અન્ય બે શરતો પણ પૂર્ણ કરવાની રહેશે. જો મહિલાઓને સંતાનમાં દીકરીઓ હોય તો તેને શાળામાં દાખલ કરાવવી પડશે. જો છોકરી શાળાની ઉંમરની ન હોય તો મહિલાઓએ એફિડેવિટ પર સહી કરવી પડશે કે સમય આવશે ત્યારે તેને શાળામાં દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે સરકારના વૃક્ષારોપણ અભિયાન અમૃત વૃક્ષા આંદોલન અંતર્ગત મહિલાઓએ જે વૃક્ષ વાવ્યા છે તે જીવંત રહે એની કાળજી પણ લેવી પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button