નવી દિલ્હી: કેન્દ્ર સરકાર શુક્રવારે એટલે કે 28 ડિસેમ્બરના રોજ આસામના યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટના પ્રો-ટોક જૂથ સાથે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા એક વર્ષથી આ કરાર પર ચર્ચા ચાલી રહી હતી. ઉત્તર-પૂર્વીય રાજ્યમાં કાયમી શાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે આજે કેન્દ્ર સરકાર ઉલ્ફા અને આસામ સરકાર એમ ત્રણેય વચ્ચે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.
ઉલ્ફાએ ઉત્તર-પૂર્વીય રાજ્ય આસામમાં સક્રિય એક મુખ્ય ઉગ્રવાદી સંગઠન છે. તેની રચના 7 એપ્રિલના રોજ પરેશ બરુઆએ તેમના ભાગીદારો અરબિન્દા રાજખોવા, ગોલપ બરુઆ ઉર્ફે અનુપ ચેટિયા, સમીરન ગોગોઈ ઉર્ફે પ્રદીપ ગોગોઈ અને ભદ્રેશ્વર ગોહેન સાથે મળીને કરી હતી. આ સંગઠનની રચના પાછળનો ખાસ હેતુ સશસ્ત્ર સંઘર્ષ દ્વારા આસામને સ્વાયત્ત અને સાર્વભૌમ રાજ્ય બનાવવાનો હતો. ઉલ્ફા શરૂઆતથી જ હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે.
ડિસેમ્બર 1991ના રોજ ઉલ્ફાના કમાન્ડર-ઇન-ચીફ હીરક જ્યોતિ મહેલના મૃત્યુ બાદ ઉલ્ફાના લગભગ નવ હજાર સભ્યોએ આત્મસમર્પણ કર્યું હતું. તેમજ 2008માં ઉલ્ફા નેતા અરબિન્દા રાજખોવાની બાંગ્લાદેશમાંથી ધરપકડ કરીને તેને ભારતને સોંપવામાં આવ્યો હતો. ધરપકડ બાદ રાજખોવાએ તેના ગ્રુપ સાથે શાંતિ સમજૂતીની વાત કરી તો ઉલ્ફામાં બે ભાગ પડી ગયા. અત્યાર સુધી ઉલ્ફાએ ઘણી હિંસાઓ કરી છે. એક સમય એવો હતો કે ઉલ્ફાના આતંકને કારણે ચાના વેપારીઓએ એક વખત માટે આસામ પણ છોડી દીધું હતું.
સુત્રોએ જણાવ્યું હતું કે શાંતિ સમજૂતી માટે છેલ્લા ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા હતા. આ ઉપરાંત શાંતિ મંત્રણા કેવી રીતે કરવી તે મુદ્દે છેલ્લા એક સપ્તાહથી દિલ્હીમાં સંગઠન અને સરકાર વચ્ચે વાતચીત પણ ચાલી રહી હતી. રાજખોવા જૂથના બે નેતાઓ અનુપ ચેટિયા અને શશધર ચૌધરી નવી દિલ્હીમાં સરકારી અધિકારીઓ કે જે આ મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા હતા તેમના સંપર્કમાં હતા. બંને પક્ષો વચ્ચે ચર્ચાના અનેક રાઉન્ડ થયા છે. જેમાં ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર તપન ડેકા અને નોર્થ-ઈસ્ટ અફેર્સ પર સરકારના સલાહકાર એકે મિશ્રાએ સરકાર વતી ઉલ્ફા સંગઠનના નેતાઓ સાથે ચર્ચા કરી હતી.
ઉલ્ફા અને ભારત સરકાર વચ્ચે આજે આ મુદ્દાઓ પર ચર્ચા થશે.
- આસામના લોકોનો સાંસ્કૃતિક વારસો અકબંધ રાખવામાં આવશે.
- સરકાર દ્વારા આસામના લોકો માટે રાજ્યમાં વધુ સારી રોજગારીની તકો ઉપલબ્ધ કરવામાં આવશે
- ભારત સરકાર તરફથી સશસ્ત્ર ચળવળનો માર્ગ છોડી ચૂકેલા ઉલ્ફાના સભ્યોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શક્ય તેટલા તમામ પ્રયાસો કરવામાં આવશે.