Assam Flood: ૧૦ જિલ્લામાં છ લાખ લોકો પ્રભાવિત, મૃત્યુઆંક 15

ગુવાહાટીઃ આસામમાં પૂર (Assam Floods)ની સ્થિતિ યથાવત છે અને ૧૦ જિલ્લાઓમાં છ લાખથી વધુ લોકો પૂરના પાણીથી પ્રભાવિત થયા હોવાનું અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે નદીના પાણીના સ્તરમાં વધારો થયો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
કોપિલી, બરાક અને કુશિયારા નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. હૈલાકાંડી હોજાઇ, મોરીગાંવ, કરીમગંજ, નાગાંવ, કચર, દિબ્રુગઢ, ગોલાઘાટ, કાર્બી આંગલોંગ વેસ્ટ અને દિમા હસાઓ જિલ્લામાં કુલ ૬,૦૧,૬૪૨ લોકો પૂરને કારણે પ્રભાવિત થયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ૨૮ મેથી પૂર અને તોફાનમાં મૃત્યુઆંક ૧૫ થયો છે. નાગાંવ ૨.૭૯થી વધુ અસરગ્રસ્ત વસ્તી સાથે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો રહ્યો છે. ત્યાર બાદ હોજાઇ અને કચરનો ક્રમ આવે છે.
૪૦,૦૦૦થી વધુ વિસ્થાપિત લોકો વિવિધ જિલ્લાઓમાં રાહત શિબિરોમાં આશ્રય લઇ રહ્યા છે. એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને લોકો સહિત અનેક એજન્સીઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજ્યના ઘણા ભાગોમાં માર્ગ અને રેલવે સેવા ખોરવાઇ ગયો હતો. ન્યુ હાફલોંગના ચંદ્રનાથપુર સેક્શન વચ્ચેના ટ્રેકને નુકસાન અને લુમડિંગ ડિવિઝનના સિલ્ચર સ્ટેશન પર પાણી ભરાવાને કારણે શનિવારથી સોમવાર સુધીની મુસાફરી શરૂ કરવા માટે નિર્ધારિત ઓછામાં ઓછી ૧૦ ટ્રેન રદ કરવામાં આવી હોવાનું ઉત્તરપૂર્વ સરહદ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું.