કેન્દ્ર બાદ હવે આ રાજ્યમાં થશે સૌથી પહેલા 8મા પગારપંચની રચના: મુખ્ય પ્રધાનની જાહેરાત

દિસપુર: ઓક્ટોબર 2025માં કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગારપંચ (8th Pay Commission) માટેની સંદર્ભ શરતો (Terms of Reference)ને મંજૂરી આપી દીધી હતી. વર્ષ 2026ની શરૂઆત સાથે હવે 8મું પગારપંચ લાગુ કરી દેવામાં આવ્યું છે. જેનાથી લાખો કેન્દ્રીય કર્માચારીઓને ફાયદો થવાનો છે. હવે રાજ્ય સરકારો પણ 8મા પગારપંચની રચનાની તૈયારી કરી રહી છે. જેમાં આસામ 8મા પગારપંચની રચના કરનારું પહેલું રાજ્ય બનવા જઈ રહ્યું છે.
પગારપંચની ભલામણોને સમયસર લાગુ કરાશે
આસામાના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું છે કે, આસામ દેશનું પહેલું એવું રાજ્ય બનશે, જે 8મા પગારપંચની રચના કરશે. અમારું આ પગલું કર્મચારીના કલ્યાણ માટે મહત્ત્વનું છે. આ આસામની સંવેદનશીલ અને પ્રગતિશીલ શાસનપ્રણાલીનું પ્રતીક છે. સરકાર પોતાના કર્મચારીની આર્થિક સલામતી, સમ્માન અને જીવન ધોરણને ઊંચું લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. 8મું પગારપંચ આ વિચારધારાનું પરિણામ છે.
હિમંતા બિસ્વા સરમાએ આગળ જણાવ્યું કે, પગારપંચનો હેતુ માત્ર પગાર વધારા સુધી સીમિત રહેશે નહીં, તેણે સરકારી કર્મચારીઓના ભથ્થા, પેન્શન અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પણ ભલામણ કરવાની રહેશે. પગારપંચની ભલામણોને સમયસર લાગુ પણ કરી દેવામાં આવશે. જેથી કર્મચારીઓને તેનો વાસ્તવિક લાભ મળી શકે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર રાજ્ય પગારપંચની રચના કરે છે. જે રાજ્ય સરકારના કર્મચારીઓ પર લાગુ પડે છે. જેમાં સરકારી વિભાગો, રાજ્યની પોલીસ, રાજ્ય સરકારો દ્વારા સંચાલિત સ્ટાફ અને રાજ્ય સરકારના પેન્શનધારીઓનો સમાવેશ થાય છે. પગારપંચ રાજ્યના સરકારી કર્મચારીઓનો પે સ્કેલ, ભથ્થા અને પેન્શન નક્કી કરે છે.



