Assam Coal Mine Mishap: દુર્ઘટના મુદ્દે એકની ધરપકડ, પાંચમા દિવસે બચાવ અભિયાન ચાલુ…

ગુવાહાટીઃ આસામના દિમા હસાઓ જિલ્લામાં કોલસાની એક ખાણમાં કામ કરતા શ્રમિકોના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ખાણમાં હજુ પણ આઠ શ્રમિકો ફસાયેલા છે ત્યારે આજે પાંચમા દિવસે તેમની શોધખોળ માટે બચાવ અભિયાન ચાલુ હોવાનું જણાવ્યું હતું.
આ દુર્ઘટના અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે બચાવ અભિયાનમાં સામેલ કર્મચારીઓ ફસાયેલા શ્રમિકોને બચાવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ સ્થિતિ ગંભીર બની રહી છે. ખાણમાં પાણી ભરાઈ જતાં નવ શ્રમિકો ફસાયા હતા, જેમાંથી નેપાળના રહેવાસી એક શ્રમિકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.
આપણ વાંચો: અસમની કોલસાની ખાણમાં ફસાયેલા મજૂરોમાંથી એકનો મૃતદેહ મળ્યો; રેકસ્યું ઓપરેશન યથાવત…
જોકે પોલીસે એ નથી જણાવ્યું કે આ ધરપકડ ક્યાં કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે શ્રમિકોનો ‘નેતા’ જે છઠ્ઠી જાન્યુઆરીએ ઘટના બાદથી ફરાર થઇ ગયો હતો. તેને ગુરુવારે રાત્રે એક સર્ચ ઓપરેશન દરમિયાન ઝડપી લેવામાં આવ્યો હતો. આ મામલે બીજી ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ હનાન લસ્કર તરીકે થઈ છે. ખાણના લીઝધારક પુનીશ નુનીસાની ઘટનાના બીજા દિવસે અટકાયત કરવામાં આવી હતી. સોમવારે ગુવાહાટીથી લગભગ 250 કિલોમીટર દૂર ઉમરંગસો વિસ્તારમાં ‘3 કિલો’ કોલસાની ખાણમાં શ્રમિકો ફસાઈ ગયા હતા.
આપણ વાંચો: એપ્રિલથી સપ્ટેમ્બરમાં દેશમાં કોલસાની આયાત આઠ ટકા વધી
મુખ્ય પ્રધાન હિમંતા વિશ્વ શર્માએ કહ્યું હતું કે ખાણમાં બનેલી ઘટનાના સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તે ‘ગેરકાયદેસર’ હોવાનું જાણવા મળ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે 340 ફૂટ ઊંડી ખાણમાંથી પાણી કાઢવાનું કામ ઓએનજીસી અને કોલ ઈન્ડિયા દ્વારા લાવવામાં આવેલા ખાસ મશીનથી ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું હતું કે પૂરતા પ્રમાણમાં પાણી કાઢવામાં આવ્યા બાદ નેવી અને આર્મી ડાઇવર્સ ફરીથી બચાવ કામગીરી માટે ખાણમાં પ્રવેશ કરશે. નૌકાદળ, આર્મી, આસામ રાઈફલ્સ, એનડીઆરએફ, એસડીઆરએફ અને નાગરિક વહીવટતંત્ર બચાવ અભિયાનમાં લાગ્યા છે અને ઘટનાસ્થળ પર તૈનાત છે.