
નવી દિલ્હી: ભારતના નકશામાં છેડછાડ કરીને ચીન ઘણીવાર ભારતના વિસ્તારને પોતાનો વિસ્તાર બતાવી ચૂક્યું છે. પરંતું આવી જ ભૂલ કોઇ વ્યક્તિ કરે ત્યારે કોઇ પણ ભારતીય આ સહન કરશે નહી અને આવું જ કંઇક કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યું અને તેના કારણે તેમના પર ભાજપના ઘણા નેતાઓ ભડકેલા છે. જેમાં આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિશ્ર્વાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા ભારતના નકશામાંથી નોર્થ ઈસ્ટ વિસ્તાર ગાયબ છે.
આસામના સીએમના આ ગંભીર આરોપ પર, રાજ્યના કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે મુખ્ય પ્રધાન તેમના પરિવાર સાથે જોડાયેલી કંપનીઓ દ્વારા કરવામાં આવેલા જમીન સોદા અંગે જવાબ આપવાને બદલે વાહિયાત આક્ષેપો કરી રહ્યા છે.
સીએમ હિમંતાએ કોંગ્રેસના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી એનિમેટેડ વિડિયોનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી જેવા કાર્ટૂન પાત્રો દર્શાવવામાં આવ્યા છે. અને એક નકશો પણ દેખાય છે જેમાં ઉત્તર-પૂર્વનો વિસ્તાર દેખાતો નથી. ત્યારે સીએમ હિમંતા બિશ્ર્વાએ કહ્યું હતું કે એવું લાગે છે કે કોંગ્રેસે ગુપ્ત રીતે નોર્થ ઈસ્ટની સમગ્ર જમીન પડોશી દેશને વેચવાનો સોદો કર્યો છે.’
આ ઉપરાંત સીએમ હિમંતાએ દેશભરના લોકોને કોંગ્રેસની હરકતો પર ધ્યાન આપવા અને આગામી વર્ષની લોકસભાની ચૂંટણીમાં તેમને જડબાતોડ જવાબ આપવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે કાંગ્રેસ પાર્ટી બફાટ કરે જાય છે તેમને જનતાના પ્રશ્ર્નોમાં રસ નથી તેમને ફક્ત મોદીને હરાવવામાં જ રસ છે. કોંગ્રેસ પાર્ટીની સોશિયલ મીડિયા પોસ્ટ જોઇને તેમને કહ્યું હતું કે આ જાણી જોઈને કરવામાં આવેલ રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે. હવે પૂર્વોત્તર અને સમગ્ર દેશે આ તરફ ધ્યાન આપવું જોઈએ અને આવતા વર્ષે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને જડબાતોડ જવાબ આપવો જોઈએ.