આસામમાં મળ્યો રીયલ લાઈફ હેરી પોટર સ્નેક, હિમંતા સરમાએ તસવીરો શેર કરી
ગુવાહાટી: હેરી પોટર (Harry Potter Snake) નવલકથા અને ફિલ્મ સિરીઝના ચાહકો સાલાઝાર સ્લિથરિન (Salazar Slytherin) નામથી વાકેફ જ હશે. સાલાઝારના પાત્રના નામ પરથી સાંપની એક પ્રજાતિનું નામ સાલાઝાર પિટ વાઇપર (Salazar pit viper) નામ પાડવામાં આવ્યું છે. હવે ભારતના આસામમાં આ સાંપની હાજરી હોવાનું જાણવા મળ્યું છે. આસામના કાઝીરંગા નેશનલ પાર્ક(Kaziranga National Park)માં સાલાઝાર પિટ વાઇપર મળી આવ્યો હતો, મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ આ અંગે જાહેરાત કરી હતી.
હેરી પોટરયુનિવર્સમાં, સ્લિથરિન તેના મિત્રો ગોડ્રિક ગ્રિફિંડર, રોવેના રેવેનક્લો અને હેલ્ગા હફલપફ સાથે હોગવર્ટ્સ સ્કૂલ ઑફ વિકક્રાફ્ટ એન્ડ વિઝાર્ડરીના સ્થાપકોમાંના એક હતા. આ પત્ર સાપ સાથે વાત કરવાની ક્ષમતા માટે જાણીતું છે.
બ્રિટિશ લેખક જે.કે. રોલિંગ દ્વારા લખાયેલી હેરી પોટર શ્રેણીની સાત ભાગની કાલ્પનિક નવલકથાઓમાં સ્લિથરિનના હોગવર્ટના ઘરનું પ્રતીક પણ સાપ હતો.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ x પર કરેલી પોસ્ટમાં લખ્યું કે “કાઝીરંગામાં હમણાં જ એક હકીકતનો હેરી પોટર સાપ મળ્યો! સુપર કૂલ સાલાઝાર પીટ વાઇપરને મળો: ગ્રીન લાઈક મેજિક અને તેના માથા પર ફંકી લાલ-નારંગની પટ્ટી પણ છે. કુદરત ખરેખર શાનદાર નથી?” તેમણે લીલા સાપની ત્રણ તસવીરો પણ શેર કરી છે.
સંશોધકોની એક ટીમે અગાઉ અરુણાચલ પ્રદેશમાં આ ઝેરી સાપની નવી પ્રજાતિની શોધ કરી હતી અને તેને ટ્રિમેરેસુરસ સાલાઝાર (Trimeresurus Salazar) નામ આપ્યું હતું.
2019 માં સંશોધકો દ્વારા ક્ષેત્ર અભિયાન દરમિયાન પાકે ટાઈગર રિઝર્વના જંગલોમાં આ સાંપ મળી આવ્યો હતો. પિટ વાઇપર સમગ્ર પૂર્વ અને દક્ષિણપૂર્વ એશિયામાં જોવા મળે છે.