અસમ વિધાનસભામાં હવે નહિ મળે નમાઝ માટે બે કલાકનો બ્રેક: સરકારે લીધો નિર્ણય | મુંબઈ સમાચાર

અસમ વિધાનસભામાં હવે નહિ મળે નમાઝ માટે બે કલાકનો બ્રેક: સરકારે લીધો નિર્ણય

ગુવાહાટી: આસામ વિધાનસભામાં શુક્રવારે બે કલાકનો વિરામને નાબૂદ કરવામાં આવ્યો છે. અસમના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X” પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે આસામ વિધાનસભાને સંસ્થાનવાદી યુગની પરંપરાઓમાંથી મુક્તિ મળી છે. અસમ વિધાનસભાએ શુક્રવારના દિવસે બે કલાકના જુમ્માના વિરામને નાબૂદ કરી દીધો છે, જેની અસર કામ અને ઉત્પાદકતા બંને પર પડતી હતી. આ પ્રથાની શરૂઆત 1937માં મુસ્લિમ લીગના સૈયદ સાદુલ્લાએ તેની કરી હતી.

તેમણે આગળ લખ્યું હતું કે, “હું વિધાનસભાના સ્પીકર અને ધારાસભ્યોને આ નિર્ણય માટે ધન્યવાદ પાઠવું છું અને હું તેમનો આભારી છું. આ રીતે હવે આસામ વિધાનસભામાં મુસ્લિમ વિધાનસભ્યોને નમાઝ માટે મળતો બે કલાકનો બ્રેક નહિ મળે. આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે આ નિર્ણય દ્વારા વિધાનસભાની ઉત્પાદકતાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય બિસ્વજીત ફુકને કહ્યું કે આસામ વિધાનસભામાં અંગ્રેજોના સમયથી દર શુક્રવારે નમાઝ માટે બપોરે 12 થી 2 વાગ્યા સુધીનો વિરામ હતો. હવે આ નિયમ બદલાઈ ગયો છે અને તેમાં કોઈ વિરામ નહીં આવે.

આસામ વિધાનસભાના અધ્યક્ષ બિસ્વજીતની હાજરીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને તમામ ધારાસભ્યોએ તેને ટેકો આપ્યો હતો. ફુકને કહ્યું કે આ નિર્ણયનું બધાએ સમર્થન કર્યું છે. આ નિર્ણય અભ્યાસ કર્યા બાદ લેવામાં આવ્યો છે કે લોકસભા, રાજ્યસભા કે દેશના અન્ય કોઈપણ ગૃહમાં નમાઝ માટે બ્રેક આપવાનો ઉલ્લેખ નથી.

આ પણ વાંચો : Manipurમાં હિંસા યથાવત : મોડી રાત્રે ગોળીબાર થતાં સુરક્ષાદળો કરાયા તૈનાત

આ મુદ્દા પર વિધાનસભા અધ્યક્ષે નિર્ણય લીધો કે આ બ્રિટિશ પરંપરાને બદલી નાખવી જોઈએ. ફૂકને જણાવ્યું હતું કે આસામ વિધાનસભા સોમવારથી ગુરુવાર સુધી સવારે 9:30 વાગ્યે શરૂ થતી હતી. જ્યારે શુક્રવારે સવારે 9 વાગ્યે શરૂ થતી હતી કે જેથી નમાઝ માટે બે કલાકનો વિરામ આપવામાં આવે. આ રીતે આસામ સરકારે સ્વતંત્રતા પૂર્વેથી ચાલી આવતી પરંપરાને સમાપ્ત કરી દીધી છે.

સંબંધિત લેખો

Back to top button