વત્સલા દાદી તરીકે ઓળખાતી એશિયાની સૌથી વૃદ્ધ હાથણીએ 100 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ

વત્સલા દાદી તરીકે ઓળખાતી એશિયાની સૌથી ઘરડી હાથણીનું મંગળવારે મોડી રાત્રે મધ્ય પ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં 100 વર્ષની વયે અવસાન થયું છે. આ હાથણીના પીટીઆરની અંદર હિનોઉટા હાથી કેમ્પમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વત્સલા એશિયાની સૌથી વૃદ્ધ માદા હાથી હોવાનું માનવામાં આવતું હતું. પન્ના ટાઇગર રિઝર્વના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પીટીઆરના વન કર્મચારીઓમાં તે ‘વત્સલા દાદી’ તરીકે જાણીતી હતી
પીટીઆરના એક વન અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે, આ શતાબ્દી માદા હાથી, જે રિઝર્વ જંગલમાં હાથીઓના બચ્ચા પ્રત્યેના અસાધારણ પ્રેમને કારણે પીટીઆરના વન કર્મચારીઓમાં ‘વત્સલા દાદી’ તરીકે જાણીતી છે, તે હાથીઓના બચ્ચા જન્મ સમયે દાદીની ભૂમિકા ભજવી હતી. વન અધિકારીએ જણાવ્યું હતું કે, મંગળવારે બપોરેપન્ના ટાઈગર રિઝર્વના હિનૌટા વિસ્તારમાં ખૈરૈયાં નાલા પાસે વત્સલા પડેલી જોવા મળી હતી. તેને બચાવવા માટે ઘણો પ્રયત્ન કરવામાં આવ્યો પરંતુ બચાવી શક્યા નહીં.
કેરળના નીલંબુર જંગલમાં થયો હતો વત્સલા જન્મ
વૃદ્ધાવસ્થાને કારણે તેણીએ પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી અને લાંબા સમય સુધી ચાલી શકતી ન હતી. તેણીના આગળના પગના નખ પર ઈજાઓ હતી. વત્સલાનો જન્મ કેરળના નીલંબુર જંગલમાં થયો હતો અને તેને 1971માં મધ્યપ્રદેશના નર્મદાપુર લાવવામાં આવી હતી. 1993માં તેણીને પીટીઆરમાં ખસેડવામાં આવી હતી. વન અધિકારીએ કહ્યું કે, વત્સલાનો કોઈ જન્મ રેકોર્ડ નહોતો. એકવાર, તેણીની ઉંમર નક્કી કરવા માટે તેના દાંતના નમૂના લેબમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ નમૂનાઓથી તેણીની ઉંમર નક્કી થઈ શકી ન હતી. વત્સલા 100 વર્ષથી વધુ ઉંમરની હોવાનું માનવામાં આવતું હતું.