પ્રયાગરાજ જંક્શન મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કરી ‘આ’ સ્પષ્ટતા

નવી દિલ્હીઃ મહાકુંભને લઈ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે તેમ જ ભીડ વધી રહી છે. માઘી પૂર્ણિમાના વિશેષ સ્નાનને લઈ સંગમમાં ડૂબકી લગાવવા માટે દેશભરમાંથી લોકો બસ, લકઝરી, ટ્રેન અને ખાનગી વાહનો લઈને નીકળી પડ્યા છે, ત્યારે સ્થાનિકોની સાથે શ્રદ્ધાળુઓને અવરજવર કરવામાં હાલાકી વધી છે, જ્યારે વધતી ભીડને લઈ પ્રયાગરાજ જંક્શન બંધ કરવાના પણ સમાચાર વાઈરલ થયા હતા હવે આ મુદ્દે રેલવે પ્રધાને સ્પષ્ટતા કરીને અફવાઓ પર ધ્યાન નહીં આપવાની અપીલ કરી છે.
આ મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે પ્રયાગરાજ મહાકુંભ માટે આઠ રેલવે સ્ટેશન પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
આપણ વાંચો: પ્રયાગરાજમાં તો માનવ મહેરામણઃ પણ યુપીના આ મંદિરોમાં પણ ભક્તોએ લગાવી ભીડ, ભારે હેરાનગતિ
રવિવારે પ્રયાગરાજ જંક્શનથી 330 ટ્રેન રવાના કરવામાં આવી હતી, જ્યારે આજે પણ ટ્રેનની ઓપરેશન કામગીરી વ્યવસ્થિત ચાલી રહી છે. જો કોઈ અફવાઓ ફેલાવવાની કોશિશ કરે છે તો તેમની વાતો પર ધ્યાન આપવું જોઈએ નહીં. બધુ રાબેતા મુજબ ચાલતું હોવાનો રેલવે પ્રધાને દાવો કર્યો હતો.
અહીં એ જણાવવાનું કે જિલ્લા પ્રશાસનના આદેશ અનુસાર ઉત્તર રેલવે લખનઊ ડિવિઝનના પ્રયાગરાજ સંગમ સ્ટેશનને નવમી ફેબ્રુઆરીના બપોરે 1.30 વાગ્યાથી 14 ફેબ્રુઆરીના રાતના 12 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. વધતી ભીડને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે, રેલવે પ્રશાસને જણાવ્યું હતું કે મહાકુંભ માટે આવનારી ટ્રેન માટેના અન્ય આઠ સ્ટેશનમાં પ્રયાગરાજ છિવકી, નૈની, પ્રગાગરાજ જંક્શન, સુબેદારગંજ, પ્રયાગ, ફાફામઉ, પ્રયાગરાજ રામબાગ અને જુન્સીમાં નિયમિત રીતે સ્પેશયલ ટ્રેનનું ઓપરેશન ચાલે છે.