
નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ દિલ્હીમાં આયોજિત એક સમિટમાં પોતાની સાથે સ્વદેશી સેમિકન્ડક્ટર વેફરનું હથેળીના કદનું મોડેલ લાવ્યા હતા, જે ડિજિટલ ઉદ્યોગમાં વૈશ્વિક બજારના આગેવાનોને પછડાત આપવાની ક્ષમતા ધરાવે છે. સૌથી અગત્યનું વૈષ્ણવે કહ્યું કે ડેટા સાર્વભૌમત્વ ભૌગોલિક રીતે ભારતની અંદર રહેવું જોઇએ.
કેન્દ્રીય આઇટી પ્રધાને સમિટમાં જણાવ્યું કે ડેટા એ નવું તેલ છે. ડેટા સેન્ટર નવી રિફાઇનરી છે. નવી અર્થવ્યવસ્થા જે આજની અર્થવ્યવસ્થામાં આકાર લઇ રહી છે. આપણે આપણા ભવિષ્યનો અંકુશ આપણા હાથમાં લેવો પડશે. તેમજ ખાતરી કરવી પડશે કે આપણા દેશમાં રહેલી પ્રતિભાને અહીં તકો મળે. તેમણે કહ્યું કે ભારત ચિપ્સ બનાવવા માટે વિશ્વના નવીનતમ ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યું છે, જે બહુ ઓછા દેશો પાસે છે.
તેમણે જણાવ્યું કે અમારી પાસે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રતિભાશાળી આધાર છે. આપણા ડિઝાઇન એન્જિનિયર, વૈશ્વિક ડિઝાઇન ઇજનેરી પ્રતિભાના 20 ટકા પહેલેથી જ ભારતમાં છે. આજે આપણે આપણા દેશમાં 2 નેનોમીટરની ચિપ્સ ડિઝાઇન કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે પહેલા તે ૫ નેનોમીટર અને 7 નેનોમીટર હતું. હવે 2 નેનોમીટરની ચિપ્સ આવી ગઇ છે. જે સૌથી જટિલ અને સૌથી નાની ચિપ્સ છે. હવે તે ભારતમાં ડિઝાઇન કરવામાં આવે છે.
ત્યારબાદ તેમણે એક જટિલ વિષયને સમજાવવા માટે હથેળીના કદની એક સેમિકન્ડક્ટર વેફર કાઢી. વૈષ્ણવે કહ્યું કે આ એક ખૂબ જ જટિલ ઉદ્યોગ છે. એક ચિપ એટલી નાની હોઇ શકે છે કે તમે તેને માઇક્રોસ્કોપથી પણ જોઇ શકતા નથી. તે માનવ વાળ કરતાં 10,000 ગણી નાની છે. તેમણે કહ્યું કે ચિપ બનાવવાનું કામ એક નાના વેફર પર આખું શહેર બનાવવા જેવું છે.
કેન્દ્રીય પ્રધાને સ્વદેશી ચિપને આગળ ધરતાં કહ્યું કે આ એક વેફર છે. આમાં એક આખું શહેર બનાવવાનું છે. જેમાં તેનું પોતાનું પ્લમ્બિંગ, પોતાનું હીટિંગ, પોતાનું પાવર નેટવર્ક, પોતાના સર્કિટ અને મહાકાય, તે ખૂબ જ જટિલ કામ છે.
આ પણ વાંચો…ગુજરાત બનશે સેમિકન્ડક્ટર હબ: સાણંદમાં CG સેમીએ શરૂ કર્યું ભારતનું પ્રથમ OSAT યુનિટ