… તો શું અશોક ગેહલોતને હસવામાંથી ખસવું થશે?

જયપુરઃ રાજસ્થાનમાં સત્તા ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત વચ્ચેના સંબંધો વણસી ગયા છે અને એવું કહેવાય છે કે કેન્ડિડેટ્સની પસંદગીમાં ગેહલોતે પોતાની મનમાની કરી અને પરિણામે કોંગ્રેસને રાજસ્થાનમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન આજે રાજસ્થાનમાં નવા મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાનના શપથવિધિ સમારોહમાં પહોંચેલા અશોક ગેહલોતે કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તેઓ ફરી એકવખત હાઈકમાન્ડના નિશાના પર આવશે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
આખી ઘટના વિશે વિસ્તારથી વાત કરવાની થાય તો વાત જાણે એમ છે કે આજે રાજસ્થાનમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં હાજરી આપવા પહોંચેલા અશોક ગેહલોતના હસતાં ફોટો સામે આવી રહ્યા છે. પરંપરા અનુસાર નવા મુખ્ય પ્રધાનના શપથવિધિ સમારોહમાં જૂના સીએમને બોલાવવામાં આવે છે. પરંતુ જ્યારે કેમેરો ગેહલોતની દિશામાં ઝૂમ ઈન થયો ત્યારે ગેહલોત કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતની બાજુમાં બેસીને હસી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે બંને વચ્ચે માનહાનિના કેસને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને ચૂંટણી સમયે પણ બંને તરફથી જોરદાર આરોપ પ્રત્યારોપનું રાજકારણ ખેલાયું પરંતુ આજે જે રીતે ગેહલોત પોતાના વિરોધી પક્ષના નેતાઓને ઉત્સાહ, ઉમંગ અને હસી-ખુશી મળતાં જોવા મળ્યા હતા એ દ્રશ્ય કદાચ કોંગ્રેસના આલાકમાન્ડને ખટકી શકે છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નવા મુખ્ય પ્રધાનના શપથવિધિ સમારોહમાં પહોંચે છે અને ત્યાં તેઓ પોતાના વિરોધી ગજેન્દ્ર સિંહ શેખાવતની બાજુમાં જઈને બેસે છે. બંને વચ્ચે છત્રીસનો આંકડો છે અને માનહાનિનો કોસ પણ ચાલી રહ્યો છે. પરંતુ આજે મંચ પર બંને જણ એકબીજાને ખૂબ જ ગર્મજોશી સાથે મળ્યા અને હસતાં જોવા મળ્યા હતા.
રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ગેહલોત આ સિવાય વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ અને સતિષ પુનિયાને પણ આત્મીયતાથી મળતાં જોવા મળ્યા હતા અને હવે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ગેહલોતનો આ ઉત્સાહ અને હાસ્ય તેમના પર ભારે પડી શકે છે. જો આલા કમાન્ડ આ ઘટનાને સિરીયલસી જોશે તો કદાચ રાજસ્થાનમાં ધરમૂળથી પરિવર્તન જોવા મળી શકે છે.