જામીન મુદત વધારવાની કેજરીવાલની અરજી પર ASGની આકરી દલીલ કહ્યું “કસ્ટડીમાં એક કિલો વજન વધ્યું છે”
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળા જામીનની મુદત આજે પૂર્ણ તહી રહી છે. આથી કેજરીવાલે જામીનની મુદત 7 જુન સુધી લંબાવવા માટે દિલ્હીની કોર્ટમાં અરજી કરી હતી, જોકે કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી 7 જૂન સુધી સ્થગિત કરી દીધી છે. જેથી હવે કેજરીવાલે આવતીકાલે 2 જૂને જેલમાં પાછા ફરવું પડશે.
કેજરીવાલ તરફથી એન હરિહરન અને ED માટે ASG એસવી રાજુ આજે કોર્ટમા હાજર રહ્યા હતા. સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ સુનાવણીમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. તેમણે દલીલ કરતાં કહ્યું હતું કે, ”હજુ શુક્રવારે જ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ 2 જૂન આત્મસમર્પણ કરવાના છે. તેમણે એવું નહોતું કહ્યું કે તેઓ કોર્ટના આદેશની રાહ જોશે. તેઓ પોતાના આવા ભ્રામક નિવેદનોથી કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજૂએ દલીલ કરતાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દેવી જોઈએ અને હાલ તેમણે કસ્ટડીમાં હોવું જોઈએ. સુપ્રીમ કોર્ટે એટલા માટે જામીન આપ્યા હતા કે ચૂંટણી પ્રચાર કરી શકે. અને હવે તે આ કોર્ટમાં જામીનની મુદતમાં વધારો કરવાની વાત કરી રહ્યા છે. જો તમને જામીન સુપ્રીમ કોર્ટે આપ્યા હોય તો પછી તેની મુદતમાં વધારો કરવાની માંગ અહિયાં કેમ કરી શકે ? સુપ્રીમ કોર્ટે એ છૂટ આપી હતી કે તેઓ નિયમિત જમીન માટે નીચલી કોર્ટમાં અરજી કરી શકે છે. એ માટે નહિ કે તે વચગાળાની જામીનની જ મુદત વધારવા અપીલ કરે.
મહેતાએ દલીલ કરતાં કહ્યું હતું કે, આટલા સમયથી બહાર હોવા છતાં મેડિકલ રિપોર્ટ કરાવવાને બદલે ચૂંટણી સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. આ પરથી લાગતું નથી કે તેઓ બીમાર હોય અને કસ્ટડી દરમિયાન તેમનું વજન ઘટ્યું નથી પરંતુ એક કિલો વધ્યું છે.