આસારામના 6 મહિનાના જામીન રદ્દ કરાવવા દુષ્કર્મ પીડિતા સુપ્રીમ કોર્ટ પહોંચી

અમદાવાદ/નવી દિલ્હીઃ આસારામને છ મહિનાના જામીન મળતાં દુષ્કર્મ પીડિતા સગીરાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પીડિતાએ આસારામના જામીન રદ્દ કરવાની માંગ કરી છે.
સગીરા પર દુષ્કર્મ કેસમાં આસારામ આજીવન કેદની સજા કાપી રહ્યો છે. આ સજામાં રાજસ્થાન હાઈ કોર્ટે 29 ઓક્ટોબરે છ મહિનાના જામીન આપ્યા હતા. જેના આધારે ગુજરાત હાઈ કોર્ટે પણ જામીન મંજૂર કર્યા હતા.
આપણ વાચો: સુરત દુષ્કર્મ કેસમાં આસારામને ગુજરાત હાઇ કોર્ટે છ મહિનાના જામીન આપ્યા
ઉલ્લેખનીય છે કે રાજસ્થાન હાઈ કોર્ટે સારવાર માટે આસારામને 6 મહિનાના જામીન આપ્યા હતા. પીડિતાની અરજીમાં આસારામને જામીન આપવાના નિર્ણયને પડકાર્યો છે અને જામીન રદ્દ કરવાની માંગ કરી છે.
આસારામને 2018માં કોર્ટે દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા આપી હતી. ત્યારબાદ 2023માં ગાંધીનગર કોર્ટે સુરતની એક મહિલા સાથેના દુષ્કર્મ કેસમાં પણ આજીવન કેદની સજા ફટકારી હતી.
આપણ વાચો: આસારામને રાહત, રાજસ્થાન હાઈકોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા…
આસારામની વર્ષ 2013માં કરવામાં આવી હતી ધરપકડ
આસારામની ઓગસ્ટ 2013માં સગીરા પર દુષ્કર્મ કરવાના આરોપમાં જેલમાં ધરપકડ કરવામાં આવી હતી. જયારે બે મહિના બાદ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ પર સુરતમાં તેમના આશ્રમમાં બે મહિલા પર દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
કોણ છે આસારામ?
આધ્યાત્મિક ગુરુ તરીકે ઓળખ આપનાર આસારામ પાકિસ્તાનમાં જન્મેલો છે. સિંધી પરિવારમાં જન્મેલા આસુમલ હરપલાની સમયાંતરે આસારામ બાપુ બન્યો. દેશમાં વિભાજન બાદ આસારામનું પરિવાર ભારત આવી વસ્યું હતું. આસારામનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદના મણિનગર સ્થિત જય હિન્દ હાઇસ્કૂલ ખાતે થયું હતું.
બાળપણમાં મજબૂત યાદશકિતથી અભ્યાસ, ગીતો, કાવ્યો અને વિગતો સત્વરે યાદ રહેતી. ઉંમર વધતા આસારામ નામ ધારણ કરી આરંભમાં ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિ આરંભી.
આપણ વાચો: સુરત સિવિલમાં આસારામનો ફોટો મૂકી પૂજા કરવામાં આવતા વિવાદ
પોતાને ધર્મ અને સંસ્કૃતિના ગુરુ બતાવી 1972માં અમદાવાદના મોટેરા ખાતે પહેલા નાની કુટીર બનાવી હતી. ત્યાર બાદ ધીરે ધીરે ભક્તો વધતા એ જ સ્થળે પોતાનો આશ્રમ સ્થાપ્યો, જ્યાંથી તેણે આસારામ બાપુ તરીકેની નામના મેળવી હતી.
શરુઆતના દિવસોમાં આસારામ દ્વારા દૂરના ગ્રામ્ય વિસ્તારમાં વંચિત, શોષિત લોકો સાથે ધાર્મિક પ્રવચન, ભજન અને આયુર્વેદિક દવાના ઉપચાર થકી પોતાનો ભક્તિનો વ્યાપ વધાર્યો. આશ્રમમાં અને આસારામના જાહેર કાર્યક્રમોમાં આવતા ભક્તોને વિના મૂલ્યે ભોજન અને અન્ય જરૂરિયાત પૂરી પડાતી.
એક રિપોર્ટ પ્રમાણે 1972થી આજ સુધી આસારામના 400થી પણ વધુ આશ્રમ દેશ – વિદેશમાં છે. એવું મનાય છે કે આસારામ અને તેનો દીકરો નારાયણ સાંઈ હસ્તક આશરે 10 હજાર કરોડની કિંમતની મિલકત છે અને સતત વિવાદો વચ્ચે પણ આસારામના ત્રણ કરોડ જેટલા અનુયાયી હશે.



